વાડીનારમાં ધમધમતી જુગારની મીની ક્લબ પર LCB ત્રાટકી: રૂા.5.79 લાખના મુદ્દામાલ સાથે 8 શખ્સો ઝડપાયા

0
394

વાડીનારમાં ધમધમતી જુગારની મીની ક્લબ પર એલસીબીની તવાઇ: રૂા.5.79 લાખના મુદ્દામાલ સાથે આઠ શખ્સો ઝડપાયા

ખંભાળિયા: દેવભૂમિ દ્વારકા જિલ્લા એલ.સી.બી. પોલીસ દ્વારા ખંભાળિયા સહિત જિલ્લામાં દારૂ-જુગારની પ્રવૃત્તિ સામે કડક હાથે કામગીરી કરવામાં આવી રહી છે.

જિલ્લા પોલીસ વડા સુનિલ જોશીની સૂચના મુજબ એલસીબી પોલીસ સ્ટાફના પેટ્રોલીંગ દરમ્યાન ગઈકાલે ગુરૂવારે સાંજે સ્ટાફના એ.એસ.આઈ. સજુભા જાડેજા તથા હેડ કોન્સ્ટેબલ જેસલસિંહ જાડેજા અને સહદેવસિંહ જાડેજાને ચોક્કસ બાતમી મળી હતી કે ખંભાળિયા તાલુકાના વાડીનાર ગામે રહેતા કરીમ ઉર્ફે કેઈલો સંઘાર અને આશા ઉર્ફે આસો સામરા લુણા નામના બે શખ્સો ભાગીદારીમાં જુગારનો અખાડો ચલાવે છે. આના અનુસંધાને એલ.સી.બી. પી.આઈ. જે.એમ. ચાવડાની રાહબરી હેઠળ પી.એસ.આઈ. એસ.વી. ગળચર તથા સ્ટાફ ગુરુવારે સાંજે વાડીનાર ખાતે ત્રાટક્યો હતો.

વાડીનાર ધાર વિસ્તારમાં કરીમ ઉર્ફે કોઈલો અબ્દુલ સંઘાર નામના શખ્સના કબ્જા ભોગવટાના રહેણાંક મકાનમાં અંગત ફાયદા માટે બહારથી માણસો બોલાવીને ચલાવતા જુગારના અખાડામાં એલસીબી પોલીસ દ્વારા પાડવામાં આવેલા દરોડામાં કરીમ ઉર્ફે કેઈલો સંઘાર (ઉ.વ. 50, રહે. વાડીનાર), ગઢવી આશા ઉર્ફે આસો સામરા લુણા (ઉ.વ. 41, રહે. ગાયત્રીનગર), ધના કરસન લુણા (ઉ.વ. 45, રહે નાઘેડી- જામનગર), દિલીપ રાયસી વસરા (ઉ.વ. 28, રહે. લાલપુર), લખમણ લાખા વાવણોટીયા (45, રહે. લાલપુર), મોમૈયા ઉર્ફે મુન્નો વેરશી સંધીયા (ઉ.વ. 32, રહે. બેહ), ગુલામ ગની ગંઢાર (ઉ.વ. 31, રહે. વાડીનાર) અને ઈકબાલ ઈસ્માઈલ ખફી (ઉ.વ. 33, રહે. મસીતીયા- જામનગર) નામના આઠ શખ્સોને દબોચી લેવામાં આવ્યા હતા.

પકડાયેલા આ શખ્સો પાસેથી પોલીસે રૂપિયા બે લાખ 98 હજાર રોકડા, રૂપિયા 30,500 ની કિંમતના સાત નંગ મોબાઈલ ફોન ઉપરાંત રૂપિયા અઢી લાખની કિંમતની એક ઇકો મોટરકાર મળી કુલ રૂપિયા 5,78,500 નો મુદ્દામાલ કબજે કર્યો છે. ઉપરોક્ત શખ્સો સામે એલસીબી પોલીસની ફરીયાદ પરથી વાડીનાર મરીન પોલીસે જુગારધારાની કલમ મુજબ ગુનો નોંધી આગળની તપાસ પી.એસ.આઈ. એસ.વી. ગળચાર દ્વારા હાથ ધરવામાં આવી છે.

દરોડાની આ કાર્યવાહીએ જુગારી તત્વોમાં ફફડાટ સાથે દોડધામ પ્રસરાવી છે.

આ સમગ્ર કાર્યવાહી એલ.સી.બી.ના પી.આઈ. જે.એમ. ચાવડાની સુચના મુજબ પી.એસ.આઈ. એસ.વી. ગળચર, પી.સી. સીંગરખીયા, એ.એસ.આઈ. ભરતભાઈ ચાવડા, વિપુલભાઈ ડાંગર, અજીતભાઈ બારોટ, દેવશીભાઈ ગોજીયા, સજુભા જાડેજા, કેસુરભાઈ ભાટિયા, નરસીભાઈ સોનગરા, ધર્મેન્દ્રસિંહ ચુડાસમા, મશરીભાઈ આહીર, ભરતભાઇ ચાવડા, બોઘાભાઈ કેસરિયા, લાખાભાઈ પિંડારિયા, જીતુભાઈ હુણ, અરજણભાઈ મારુ, બલભદ્રસિંહ ગોહિલ, જેસલસિંહ જાડેજા, સહદેવસિંહ જાડેજા, જીતુભાઈ હુણ, મહેન્દ્રસિંહ જાડેજા, હસમુખભાઈ કટારા તથા વિશ્વદીપસિંહ જાડેજા દ્વારા કરવામાં આવી હતી.