જામનગરમાં ભાજપની મોદી પરિવાર સભામાં ક્ષત્રિયાણીઓના સુત્રાચાર

0
4286

જામનગરમાં નીલકમલ સોસાયટી વિસ્તારમાં યોજાયેલી ભાજપની મોદી પરિવાર સભામાં ક્ષત્રિયાણીઓના સુત્રાચાર

  • રૂપાલા હાય હાય ના સુત્રો પોકારી રાજપૂત મહિલાઓએ સ્ટેજ પર ચડી જઇ ખુરશીઓ ઉડાડી
  • ભાજપના હોદ્દેદારો અસમંજસ માં મુકાયા: પોલીસે રાજપુત મહિલાઓને દૂર ખસેડી મામલો થાળે પાડ્યો

દેશ દેવી ન્યૂઝ જામનગર તા ૧૦ એપ્રિલ ૨૪ જામનગરમાં નિલકમલ સોસાયટી વિસ્તારમાં ભાજપ દ્વારા મોદી પરિવાર સભા યોજવામાં આવી હતી, જેમાં ક્ષત્રિયાણીઓએ પહોંચી જઈ ખલેલ પહોંચાડી હતી, અને રૂપાલા હાય હાય અને રૂપાલાની ટિકિટ રદ કરો ના સૂત્રોચાર શરૂ કરી દેતાં ભારે હલચલ ગઈ હતી, અને સ્ટેજ પર બેઠેલાં ભાજપના પૂર્વ મંત્રી, પૂર્વ મેયર સહિતના હોદ્દેદારો અસમંજસમાં મુકાયા હતા, ત્યારે કેટલીક ખુરશીઓ પણ ક્ષત્રિયાણીઓ દ્વારા ઉપાડીને ફેકવામાં આવી હતી, જેથી વાતાવરણ તંગ બની ગયું હતું. જોકે પોલીસ ટુકડીએ સમય સૂચકતા વાપરી તમામ રાજપૂત બહેનોને ત્યાંથી દૂર કર્યા હતા. જેથી મામલો શાંત થયો હતો.

જામનગરના નીલકમલ સોસાયટી વિસ્તારમાં ભારતીય જનતા પાર્ટી દ્વારા મોદીનો પરિવાર સભાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં પૂર્વ રાજ્યમંત્રી વસુબેન ત્રિવેદી, પૂર્વ મેંયર અમીબેન પરીખ, પૂર્વ મેયર બીનાબેન કોઠારી, પૂર્વ શહેર પ્રમુખ હસમુખ હિંડોચા, શાસક જૂથના નેતા આશિષ જોશી, ભારતીય જનતા પાર્ટીના સ્થાનિક હોદ્દેદારો શહેર મહામંત્રી વગેરે સ્ટેજ પર બેઠા હતા, અને કેટલાક ભાજપના સમર્થકો ની હાજરીમાં કાર્યક્રમનો પ્રારંભ કરાયો હતો.

તેની થોડી ક્ષણોમાંજ કેટલાક સ્થાનિક ક્ષત્રિય મહિલાઓ પોતાના બાળકો વગેરે સાથે મંચ પર ધસી આવ્યા હતા, અને રૂપાલા હાય ના નારા લગાવ્યા હતા. રૂપાલા ની ટિકિટ રદ કરો જેવી માંગણી કરી કાર્યક્રમમાં ખલેલ પહોંચાડી હતી.જ્યારે સ્ટેજ પર પાછળના ભાગમાં ખાલી રહેલી બે-ત્રણ ખુરશીઓ પણ ઉચકીને ફેંકી હતી.

દરમિયાન મહિલા પોલીસ સહિતની ટુકડી મંચ પર આવી પહોંચી હતી અને રાજપૂત સમાજના બહેનોને ભારે સમજાવટ કર્યા પછી એક પછી એક કરીને મહિલાને મંચથી દૂર લઈ ગયા હતા, ત્યારબાદ મામલો થાળે પડ્યો હતો, અને ભાજપ દ્વારા કાર્યક્રમ આગળ ધપાવવામાં આવ્યો હતો. ત્યાં સુધી મંચ પર બેઠેલા ભાજપના અગ્રણીઓ તથા શ્રોતાગણ ભારે અસમંજસમાં મુકાયા હતા.