જામનગરનાં ૪૮૫ માં સ્થાપના દિનની ઉજવણી નિમિત્તે પરંપરાગત રીતે ખાંભીપૂજન કરાયું

0
3319

જામરાવળ સ્થાપિત ‘નવાનગર’ પાસે છોટીકાશી, બ્રાસ સિટી, સૌરાષ્ટ્રનું પેરીસ, ક્રિકેટનું કાશી અને ઓઈલ સિટીનું બિરૂદ

  • જામનગરનાં ૪૮૫ માં સ્થાપના દિનની ઉજવણી નિમિત્તે રાજપૂત સમાજ તેમજ જામ્યુકો દ્વારા પરંપરાગત રીતે ખાંભી પૂજનનો કાર્યક્રમ યોજાયો

  • રાજપૂત સમાજના અગ્રણી અને પૂર્વ મંત્રી ધર્મેન્દ્રસિંહ જાડેજા (હકુભા) તથા કરણી સેનાના દોલુભા જાડેજાની ખાસ ઉપસ્થિત રહી હતી

દેશ દેવી ન્યૂઝ જામનગર તા ૧૧ ઓગસ્ટ ૨૪ શ્રાવણ સુદ સાતમનો દિન જામનગર માટે ઐતિહાસિક છે.ઇ.સ. ૧૫૪૦ (સવંત ૧૫૯૬)માં શ્રાવણ સુદ સાતમનાં દિને નવાનગરની સ્થાપના કરી હતી જે આજે આપણાં જામનગર તરીકે દુનિયાનાં નક્શા પર ઝળહળે છે. આજરોજ શ્રાવણ સુદ સાતમનાં દિને જામનગર મહાનગરપાલિકા દ્વારા જામનગરનાં સ્થાપના દિનની ઉજવણી નિમિત્તે પરંપરાગત રીતે શહેરની સ્થાપના સમયની ખાંભીનાં પૂજન તથા વિવિધ વિભૂતિઓની પ્રતિમાને ફૂલહારનાં કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે.

તા. ૧૧/૮ ને રવિવારે સવારે ૯ કલાકે દરબાર ગઢ નજીક દિલાવર સાયકલ સ્ટોરમાં આવેલ શહેરની સ્થાપના સમયની ખાંભીનું રાજવી પરીવારનાં સભ્યો તેમજ ક્ષત્રિય સમાજ અને વિવિધ અગ્રણીઓ દ્વારા પણ ખાંભી પૂજન કરાયું  તેમજ તમામ સત્તાધીશો, શહેરનાં પ્રથમ નાગરિક મેયર વિનોદભાઈ ખીમસૂર્યાનાં હસ્તે પૂજન કરવામાં આવ્યું હતું

કાર્યક્રમમાં સાંસદ પૂનમબેન માડમ,ધારાસભ્યો દિવ્યેશ અકબરી તથા રીવાબા જાડેજા, ડે. મેયર ક્રિષ્નાબેન સોઢા, સ્ટે.કમિટી ચેરમેન નિલેશભાઇ કગથરા, કમિશ્નર ડી.એન.મોદી, શાસક પક્ષ નેતા આશિષભાઇ જોષી, દંડક કેતનભાઇ નાખવા, વિપક્ષી નેતા ધવલભાઇ નંદા, નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ ચેરમેન મનિષભાઇ કનખરા સહિતનાં આગેવાનો જોડાયા હતા તેમજ શહેરમાં વિવિધ સ્થળોએ આવેલ વિવિધ પૂર્વ રાજવીઓ તથા વિભૂતિઓની પ્રતિમાઓને ફૂલહાર અર્પણ કરવામાં આવ્યું હતું