ખંભાળિયાના કોન્ટ્રાક્ટર યુવાને ધ્રોળના ટોલનાકે પોતાની કારમાં ઝેરી દવા પી લેતાં મૃત્યુ નિપજવાથી ભારે ચકચાર
દેશ દેવી ન્યૂઝ જામનગર તા ૨ ઓક્ટોબર ૨૪, દેવભૂમિ દ્વારકા જિલ્લાના ખંભાળિયા ના વતની એવા કોન્ટ્રાક્ટર યુવાને પોતાની કારમાં ધ્રોલના ટોલનાકે પહોંચી ઝેરી દવા પી લઇ આત્મહત્યા કરી લેતાં ભારે ચકચાર જાગી છે. સમગ્ર મામલે ધ્રોળ પોલીસ દ્વારા ઊંડાણપૂર્વકની તપાસ ચલાવવામાં આવી રહી છે.
આ બનાવની વિગત એવી છે કે દેવભૂમિ દ્વારકા જિલ્લાના ખંભાળિયામાં જે કેવી નગર વિસ્તારમાં રહેતા અને જેસીબી તથા અન્ય મશીનરી નો કોન્ટ્રાક્ટર ધરાવતા રઘુવીરસિંહ કિશોરસિંહ રાઠોડ નામના ૩૬ વર્ષના યુવાને ગઈકાલે સવારે ધ્રોળના સોયલના ટોલનાકા પાસે પોતાની કારમાં ઝેરી દવા પી લીધી હતી. આ બનાવ અંગે પોલીસને જાણ થતાં ધ્રોલના પોલીસ હેડ કોન્સ્ટેબલ કે.એસ. દલસાણીયા બનાવ ના સ્થળે દોડી ગયા હતા, અને રઘુવીર સિંહ રાઠોડ ને સારવાર માટે ધ્રોળની સરકારી હોસ્પિટલમાં પહોંચાડવાનો પ્રયત્ન કર્યો હતો, પરંતુ તેનું મૃત્યુ નિપજ્યું હોવાનું તબીબો દ્વારા જાહેર કરાયું હતું.
આ બનાવ અંગે મૃતકના પિતરાઈ ભાઈ અભિજીતસિંહ રાઠોડ એ પોલીસમાં જાહેરાત કરી હતી. જેથી પોલીસે રઘુરરાજસિંહ રાઠોડના મૃતદેહનો કબજો સંભાળી પોસ્ટમોટમ કરાવ્યું છે, જ્યારે સમગ્ર બનાવ મામલે ઊંડાણપૂર્વકની તપાસ કરી છે.મૃતક કોન્ટ્રાક્ટર યુવાન ખંભાળિયામાં રહેતા હતા અને તેઓને સંતાનમાં ૧૨ વર્ષનો પુત્ર છે. જેઓનો ધંધો બરાબર ચાલતો હતો. પરંતુ કોઈપણ સંજોગોમાં પરમદીને રાતે પોતાના ઘેરથી નીકળ્યા પછી ધ્રોલના ટોલનાકે જઇ પોતાની કારમાં ઝેરી દવા પી લીધી હતી. જે બનાવ મામલે સૌપ્રથમ સોયલના ટોલનાકા ના કર્મચારીને જાણ થતાં તેઓએ ધ્રોળ પોલીસને સ્થળ પર બોલાવી લીધા હતા. આ મામલામાં પોલીસ તપાસ ચલાવી રહી છે.