જામનગર મહાનગર પાલિકાને રીબેટ યોજના ફળી : ૧૦ કરોડનું વળતર મેળવતા જામનગરવાસીઓ
- પ્રથમ સ્કીમમાં ૬૧૪૪૦ કરદાતાઓએ રૂા. ૩૮.૫૯ કરોડનો વેરો ભર્યો જયારે બીજી સ્કીમમાં ૯૦૭૩ કરદાતાઓએ ૭.૩૮ કરોડનો વેરો ભર્યો
દેશ દેવી ન્યુઝ જામનગર તા. ૨ નવેમ્બર ૨૩, જામનગર મહાનગરપાલિકા દ્વારા દર વર્ષની જેમ ચાલુ વર્ષે પણ કરદાતાઓ માટે એડવાન્સ વેરા વળતરની યોજના શરૂ કરી હતી. જેમાં પ્રથમ તબકકામાં તા. ૧૦.૭.૨૦૨૩ થી તા. ૨૩.૮.૨૦૨૩ કુલ ૬૧૪૪૪ મિલકતધારોએ મિલ્કત વેરા પેટે રૂા. ૨૪.૯૪ કરોડનો વેરો અને વોટર ચાર્જ પેટે રૂા. ૩.૬૫ કરોડ ભરતા મહાપાલિકાને કુલ રૂા. ૨૮.૫૯ કરોડની આવક થઇ હતી.જયારે ગત માસમાં પુન: રીબેટ યોજના બહાર પાડતા આ યોજનામાં કુલ ૯૦૭૩ મિલકતધારકોએ મિલ્કતવેરા પેટે રૂા. ૬.૬૮ કરોડ અને વોટરચાર્જ પેટે રૂા. ૭૦.૮૩ લાખ જમા કરાવતા ૭.૩૮ કરોડની આવક થઇ હતી. આમ બન્ને યોજના અંતર્ગત કુલ ૭૦૫૧૩ મિલકત ધારકોએ એડવાન્સ વેરા વળતર યોજનાના લાભ મેળવી રૂા. ૩૧.૬૨ કરોડ મિલકત વેરા પેટે અને વોટર ચાર્જ પેટે રૂા. ૪.૩૬ કરોડ જમા કરાવ્યા હતા. અને કુલ રૂા. ૩.૦૮ કરોડની રીબેટ મેળવેલ છે. જામનગર મહાનગરપાલિકાને ચાલુ નાણાકીય વર્ષમાં અત્યાર સુધીમાં બન્ને રિબેટ યોજના સહિત કુલ ૯૪૫૯૮ મિલકતધારકોએ એડવાન્સ કરવેરા પેટે રૂા. ૫૪.૩૮ કરોડ ભરતાં મહાનગરપાલિકાની તિજોરી છલકાવી દીધી છે. અને તેમને મહાપાલિકાએ રીબેટ અને વ્યાજ માફી યોજના અંતર્ગત રૂા. ૧૦.૧૮ કરોડનું ડિસ્કાઉન્ટ પણ આપવામાં આવ્યું છે.