જામનગરની પરણિતા આત્મહત્યા ”દુષ્પ્રેરણા” મામલો હાઇકોર્ટ પહોંચ્યો: અપીલ સ્વીકારાઈ

0
3629

જામનગરની રાજપૂત પરણિતાને આત્મહત્યા દુષ્પ્રેરણાના કેસમાં સાસરિયાઓ વિરૂઘ્ધ ફરિયાદીની અપીલ સ્વીકારતી ગુજરાત હાઇકોર્ટ

  •  રાજપૂત પરણિતાએ સાસરિયાઓના મેણા-ટોણાં અને દહેજની માંગણીથી કંટાળી 2016 માં ગળેફાંસો આત્મહત્યા કરી હતી
  • નીચલી અદાલતે આરોપીઓને નિર્દોષ છોડી મૂક્યા હતા, જેને મૃતકની માતાએ હાઇકોર્ટમાં પડકાર્યો છે
  • ફરિયાદ પક્ષના વકીલની રજુઆતો ધ્યાને લઈ ફરિયાદી દ્વારા કરવામાં આવેલ અપીલ યોગ્ય હોય, જેથી હાઇકોર્ટે અપીલ સ્વીકારી
  • સાસરીયા પક્ષ વિરુઘ્ધ જામીન લાયક વોરંટ ઇસ્યુ કરવાનો હુકમ ફરમાવ્યો

દેશ દેવી ન્યુઝ જામનગર તા.૯ ફેબ્રુઆરી ૨૩: જામનગરમાં વર્ષ 2016માં ક્ષત્રિય પરિણીતાએ પતિ સહિત તેણીના સાસરિયાઓના મેણાં-ટોણા અને દહેજની માંગણીથી કંટાળીને ગળેફાંસો ખાઇ આત્મહત્યા કરી લીધી હતી જે અંગે મૃતકની માતાએ સાસરિયાઓ વિરૂઘ્ધ ફરિયાદ નોંધાવી હતી અને કેસ કોર્ટમાં ચાલી જતા આરોપીઓને નિર્દોષ છોડી મૂક્યા હતા જે ચૂકાદો મૃતકની માતાને મંજુર ન હોય જેથી તેઓએ ગુજરાત હાઇકોર્ટમાં ઉપરોકત્ત ચૂકાદાને પડકાર્યો હતો અને સાસરિયાઓ વિરૂઘ્ધ અપીલ કરી હતી જેને ગુજરાત હાઇકોર્ટે સ્વીકારીને સાસરીયા પક્ષ વિરુઘ્ધ જામીન લાયક વોરંટ ઇસ્યુ કરવાનો હુકમ ફરમાવ્યો છે.

આ ચકચારી કેસની હકીકત એવી હતી કે, આ કેસના ફરીયાદી ધરમબા ટેમુભા ઝાલા દ્વારા ફરીયાદ નોધાવવામાં આવેલ કે, તેમની દીકરી ભાવિકાબાના લગ્ન મયુરસિંહ પ્રવીણસિંહ જાડેજા સાથે થયેલા હતા અને લગ્ન બાદ ભાવિકાબા તેમના પતિ મયુરસિંહ, સસરા પ્રવીણસિંહ તથા સાસુ પ્રકાશબા સાથે એક સંયુક્ત પરિવારમાં રહેતા હતા. ફરિયાદીના દીકરી ભાવિકાબાને તેમના સાસરીયાઓ દ્વારા માવતરે આવવા-જવા ઉપર રોક-ટોક, દરરોજના મેણા ટોણા, ભાવિકાબાના સાસુ પ્રકાશબા સસરા પ્રવીણસિંહની ચડામણીથી પતિ મયુરસિંહ દ્વારા ભાવિકાબા સાથે મારકૂટ કરવું, અવાર-નવાર દહેજની માંગણી જેવા દરરોજના અસહ્ય દુ:ખ ત્રાસ ભાવિકાબાથી કંટાળી વર્ષ-2016 બેડ રૂમમાં ગળે ફાંસો ખાય આત્મહત્યા કરી જીવન ટુંકાવ્યું હતું.

જેથી ભાવિકાબાના માતા ધરમબા દ્વારા ભાવિકાબાના સાસરીયા વિરુઘ્ધ વર્ષ-2016 માં આઈ.પી.સી.ની કલમ-306, 498(એ) અને 114 મુજબની ફરિયાદ લખાવેલ હોય, ત્યાર બાદ સાસરીયા વાળા વિરુઘ્ધ ચાર્જશીટ બાદ સમગ્ર કેસ જામનગરની સેશન્સ કોર્ટમાં ચાલ્યા બાદ સાસરીયા વાળાને ટ્રાયલ કોર્ટ દ્વારા નિર્દોષ છુટકારાના ચુકાદા આપવામાં આવેલ હોય, જે ચુકાદો માનવાને લાયક ન હોય તેમજ કાયદાની દ્રષ્ટિએ ચુકાદો ભુલ ભરેલો હોય, જેથી ભાવીકાબાના માતા ફરીયાદી ધરમબા દ્વારા ગુજરાત હાઇકોર્ટમાં સી.આર.પી.સી.ની કલમ-372 હેઠળ ચુકાદાને પડકારેલ અને અપીલ કરેલ છે.

જેમાં ફરીયાદીના વકીલની ગુજરાત હાઇકોર્ટમાં મુખ્ય રજુઆત એવી કરવામાં આવેલ કે, ભારતીય પુરાવા અધિનિયમની કલમ-113 (એ) ની જોગવાઈ મુજબ જયારે લગ્ન જીવનનો સાત વર્ષના સમય ગાળાનો હોય અને પત્ની દ્વારા આત્મહત્યા કરવામાં આવે તો તેના કસુરવાર તેના સાસરીયા પક્ષને ગણવાનું તેવું અનુમાન કરવામાં આવેલ છે, અને સાસરીયા પક્ષ દ્વારા આત્મહત્યા કરનારને કોઈ દુ:ખ ત્રાસ આપેલ નથી તેવું સાબિત કરવાની જવાબદારી સસારીયા પક્ષની રહેલી છે, જેથી કહી શકાય કે, કાયદાની જોગવાઈ મુજબ અનુમાન સાસરીયા પક્ષના વિરુઘ્ધનું કરવામાં આવે છે. જયારે સદરહુ કેસમાં ભાવિકાબાનું લગ્નજીવન માત્ર 14 માસનું હોય તેમ છતાં નામદાર ટ્રાયલ કોર્ટ દ્વારા ભારતીય પુરાવા અધિનિયમની કલમ-113 (એ) ની જોગવાઈ ધ્યાને લીધેલ ન હોય, તેવું સ્પષ્ટપણે જણાય આવે છે, તેમજ સદરહુ ટ્રાયલમાં ફરિયાદ પક્ષ દ્વારા 17 સાહેદો અને 18 દસ્તાવેજી પુરાવાઓ રજુ કરવામાં આવેલ છે, જેમાં નજરે જોનાર સાહેદ તેમજ સ્વતંત્ર સાહેદની જુબાનીને પણ ટ્રાયલ કોર્ટ દ્રારા ધ્યાને લેવામાં આવેલ ન હોય, જેથી ટ્રાયલ કોર્ટ દ્વારા કાયદા અને હકીકતોની ગંભીર ભુલ ભરેલો ચુકાદો આપવામાં આવેલ છે.

ગુજરાત હાઇકોર્ટ દ્વારા ટ્રાયલ કોર્ટ દ્વારા આપેલ ચુકાદો, કાયદામાં નિર્દિષ્ઠ કરવામાં આવેલ જોગવાઈઓ તથા ફરિયાદ પક્ષના વકીલની રજુઆતો ધ્યાને લઈ ફરિયાદી દ્વારા કરવામાં આવેલ અપીલ યોગ્ય હોય, જેથી અપીલ સ્વીકારવામાં આવેલ છે અને સાસરીયા પક્ષ વિરુઘ્ધ જામીન લાયક વોરંટ ઇસ્યુ કરવાનો હુકમ ફરમાવેલ છે.

આ કેસમાં ફરીયાદી તરફે જામનગરના યુવા ધારાશાસ્ત્રી જયેન્દ્રસિંહ એન. ઝાલા તથા ગુજરાત હાઇકોર્ટમાં યુવા ધારાશાસ્ત્રી નિરલ વી. ઝાલા રોકાયેલા છે.