જામનગર જિલ્લાના એસ.પી. પ્રેમસુખ ડેલુની પોલીસ પરિવારના સિનિયર સિટીઝનો માટે સરાહનીય કાર્યવાહી
-
પોલીસ પરિવારના માતા પિતા સહિત ના સિનિયર સિટીઝનો તેમજ નિવૃત્ત પોલીસ કર્મીઓને સોમનાથ તીર્થ સહિતની યાત્રા કરાવી
-
જામનગર હેડ ક્વાર્ટર થી ૩ બસો રવાના : ૧૦૦ થી વધુ લોકો જોડાયા
દેશ દેવી ન્યૂઝ જામનગર તા ૧૫ એપ્રિલ ૨૫ જામનગર જિલ્લાના એસ.પી પ્રેમસુખ ડેલુ દ્વારા પોલીસ વિભાગ માટે જુદી જુદી એક્ટિવિટી કરવામાં આવે છે, તેની સાથે સાથે પોલીસ પરિવારના સિનિયર સિટીઝનો માટે પણ અલગથી ચિંતા કરવામાં આવી હતી, અને તેઓ માટે સોમનાથ તીર્થ સહિતની યાત્રા કરાવવા માટેનું પણ વિશેષ આયોજન કરવામાં આવ્યું હતું, અને પોલીસ પરિવારના વડીલ સિનિયર સિટીઝનો તેમજ નિવૃત પોલિસ કર્મચારીઓ જે તમામને બસ મારફતે સોમનાથ તીર્થની યાત્રા કરાવવા માટેની વ્યવસ્થા ગોઠવી આપવામાં આવી હતી.એસ.પી. પ્રેમસુખ ડેલુના માર્ગદર્શન હેઠળ પોલીસ વિભાગની વેલફેર સોસાયટી અંતર્ગત જામનગર જિલ્લાના પોલીસબેડામાં ફરજ બજાવતા પોલીસકર્મીઓ, કે જેઓ પોતાની ફરજ ના કારણે પરિવાર પાછળ સમય આપી શકતા નથી, જેને ધ્યાને લઈને પોલીસ પરિવારના સીનીયર સીટીઝનો કે જેઓને યાત્રા પ્રવાસ કરાવવા માટેની ખાસ વ્યવસ્થા ગોઠવવામાં આવી હતી.જે અનુસાર જામનગર થી ત્રણ ખાનગી બસોને તૈયાર કરીને સોમનાથ તીર્થ અને આસપાસના ધાર્મિક સ્થળોએ દર્શન કરાવવા માટે મોકલવામાં આવી હતી. તેમાં પોલીસ પરિવારના સિનિયર સિટીઝન સભ્યો, તેમજ તાજેતરમાં અથવા થોડા સમય દરમિયાન પોલીસ વિભાગમાંથી નિવૃત થયેલા હોય, પરંતુ જામનગર શહેરમાંજ વસવાટ કરતા હોય, તેવા પૂર્વ પોલીસ કર્મચારીઓને પણ એકત્ર કરીને તમામને યાત્રા કરાવવા માટેની વ્યવસ્થા ગોઠવવામાં આવી હતી.
જામનગર થી બસો મારફતે ૧૨૫ થી વધુ સિનિયર સિટીઝન ને સોમનાથ તીર્થ તેમજ અન્ય ધાર્મિક સ્થળોએ યાત્રા પ્રવાસે મોકલવામાં આવ્યા હતા. પોલીસ પરિવાર માટેની આ વિશેષ કાર્યવાહીને લઈને સમગ્ર પોલીસ પરિવારે જિલ્લા પોલીસ વડા પ્રેમસુખ ડેલુ નો અંતઃકરણ પૂર્વક આભાર માન્યો હતો, અને પોલીસ પરિવારના સિનિયર સિટીઝનોમાં પણ ખુશી જોવા મળી હતી.