જામનગર SP નો સરાહનીય અભિગમ : એક કરોડનો ચેક અપાયો

0
9875

જામનગરનાં એસ.પી. પ્રેમસુખ ડેલુ નો માનવતાવાદી અને સરાહનીય અભિગમ

  • ચાલુ ફરજે મૃત્યુ પામનાર પોલીસકર્મીનાં વારસદારોને તાકીદે પેન્શન સહિતનાં હક્ક હિસ્સા અપાવ્યા

  • એસ.બી.આઇ. બેંક તરફથી પણ મૃતક ના પરિવારને એક કરોડની સહાયનો ચેક અપાયો

દેશ દેવી ન્યૂઝ જામનગર તા ૭ જૂન ૨૪, જામનગરમાં સિટી બી. ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા કોન્સ્ટેબલ મયુરસિંહ રણજીતસિંહ જાડેજા ગત જાન્યુઆરી મહિનામાં ફરજ દરમ્યાન અકસ્માતમાં મૃત્યુ પામતાં તેમનાં પરીવાર પર આભ તૂટી પડ્યું હતું. આ સમયે જિલ્લા પોલીસવડા દ્વારા કમભાગી પરીવારને સાંત્વનાની સાથે જ ફેમિલી પેન્શન સહિતનાં તેમનાં આર્થિક હક્ક -હિસ્સા તાત્કાલિક મળે એ માટે પણ પ્રયાસો સાથે માનવતાવાદી અભિગમ અપનાવાયો હતો.જેના પરીણામ સ્વરૂપ એસ.પી. કચેરીનાં કારકુનો દ્વારા મૃતકનાં વારસદારોનાં હિતાર્થે તાકીદે ફેમિલી પેન્શન કેસ તૈયાર કરેલા તથા એસ.પી. પ્રેમસુખ ડેલુ દ્વારા સરકારનાં ધારા ધોરણ મુજબ એ જલ્દી મંજૂર કરાવી આપી મૃતકનાં વારસદાર તેમનાં પત્ની ભાવનાબાને જરૂરી દસ્તાવેજો સુપ્રત કરવામાં આવ્યા હતા.આ ઉપરાંત એસ.બી.આઇ. બેંકમાં સેલેરી એકાઉન્ટ ધરાવતા પોલીસ માટે અકસ્માત મૃત્યુના બનાવમાં મૃતકનાં પરીવારને બેંક તરફથી મળવાપાત્ર રૂ. ૧ કરોડની સહાયનો ચેક પણ એસ.પી.ની ઉપસ્થિતિમાં મૃતક મયુરસિંહનાં વારસદારોને એનાયત કરવામાં આવ્યો હતો. આ તકે જામનગર એસ.બી.આઇ. બેંકનાં મહાપ્રબંધક ભૂપેન્દ્રભાઇ બી. રામાણી, જી.ઇ.બી. ટી.પી.એસ. સિક્કા શાખાનાં પ્રબંધક મનદિપ સંધુ તથા મેનેજર હિતેશ રાયચુરા ઉપસ્થિત રહ્યા હતા.