જામનગર જિલ્લાના ધ્રોલ તાલુકાના સુમરા ગામમાં ભરવાડ પરિવારમાં ભારે કરુણા જનક કિસ્સો
-
એક ભરવાડ મહિલા અને તેના માસુમ ચાર સંતાનોએ સામુહિક રીતે કુવામાં ઝંપલાવી આત્મહત્યા કરી લેતાં ભારે હાહાકાર
-
ધ્રોલ પોલીસે ગામ લોકોની મદદ થી ચારેય મૃતદેહોને પાણીમાંથી બહાર કઢાવી ધ્રોળની સરકારી હોસ્પિટલમાં પહોંચાડ્યા
દેશ દેવી ન્યુઝ જામનગર તા ૪ એપ્રિલ, ર૫ જામનગર જિલ્લાના ધ્રોલ તાલુકાના સુમરા ગામમાં આજે બપોરે એક ભારે કરુણાજનક કિસ્સો બન્યો હતો. ભરવાડ પરિવારની એક મહિલા, કે જેણે પોતાના ૧૦ વર્ષથી લઈને ૩ વર્ષ સુધીના ચાર માસુમ સંતાનો સાથે કુવામાં ઝંપલાવી સામુહિક રીતે આત્મહત્યા કરી લેતાં ભારે ચકચાર જાગી છે. અને સુમરા ગામમાં સોંપો પડી ગયો છે. ધ્રોલની પોલીસ ટુકડી દોડતી થઈ છે, અને સમગ્ર બનાવ મામલે વધુ તપાસ ચલાવી રહી છે.આ કરૂણાજનક બનાવની વિગત એવી છે કે જામનગર જિલ્લાના ધ્રોલ તાલુકાના સુમરા ગામમાં રહેતી ભાનુબેન જીવાભાઇ ટોરીયા નામની ૩૨ વર્ષની ભરવાડ મહિલાએ પોતાના ઘરકંકાસના કારણે આજે બપોરે પોતાના ઘર પાસે આવેલા એક કૂવામાં પોતાના ૧૦ વર્ષથી લઈને ૩ વર્ષ સુધીના ચાર સંતાનો જેમાં આયુષ (ઉંમર ૧૦) આજુ )ઉંમર વર્ષ ૮) આનંદી (ઉંમર વર્ષ ચાર) તેમજ ઋત્વિક (ઉંમર વર્ષ ત્રણ) વગેરેને સાથે લઈ ને કુવામાં ઝંપલાવી સામુહિક આત્મહત્યા કરી લીધી હતી. જે ઘટનાની જાણ થતાં સમગ્ર ગામમાં ભારે અફડાતફડીનો માહોલ સર્જાયો હતો, અને ભરવાડ પરિવારમાં ગમગીની છવાઈ હતી.
આ બનાવ ની જાણ થવાથી ગામ લોકોએ એકત્ર થઈને તમામ મૃતદેહોને એક પછી એક પાણીમાંથી બહાર કઢાવ્યા હતા. જે બનાવ અંગે પોલીસને જાણકારી મળતાં ધ્રોળ ની પોલીસ ટુકડી તાબડતોબ સુમરા ગામે પહોંચી ગઈ હતી, અને પાંચેય મૃતદેહોને ધ્રોળ ની સરકારી હોસ્પિટલમાં પહોંચાડયા હતા, જયાં પોસ્ટ મોર્ટમ સહિતની કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે.
આ બનાવ ને લઈને ધ્રોલ પોલીસ દ્વારા ભરવાડ પરિવાર તથા અન્ય ગ્રામજનો વગેરે ના નિવેદનો નોંધવાનું શરૂ કર્યું છે. નાના એવા સુમરા ગામમાં આ બનાવને લઈને કરુણતા સર્જાઈ છે. અને એક પણ ચૂલો સળગ્યો ન હતો.