જામનગર- રાજકોટ હાઇવે થયો રકત્તરંજિત : અકસ્માતમાં પુત્રનુ મોત, પિતા ધાયલ

0
5740

જામનગર- રાજકોટ હાઇવે થયો રકત્તરંજિત : કાર અને સ્કૂટર વચ્ચેના ગોઝારા અકસ્માતમાં પુત્રનું મોત, પિતા ઘાયલ

દેશ દેવી ન્યુઝ જામનગર: તા.૧૫ ઓગસ્ટ ૨૩ જામનગર ધ્રોલમાં રહેતા છગનભાઈ પરમાર (ઉંમર વર્ષ 75) કે જેઓને પોતાના ઘેર પેટમાં દુ:ખાવો ઉપડ્યો હોવાથી તેના પુત્ર ધીરજલાલ છગનભાઈ પરમાર (37) કે જે પોતાના સ્કૂટર પર વૃદ્ધ પિતાને બેસાડીને પોતાના ઘરેથી નીકળી ધ્રોળના દવાખાને જઈ રહ્યા હતા. જે દરમિયાન જામનગર-રાજકોટ ધોરી માર્ગ પર ધ્રોળ નજીક સોમવારે સાંજે પુરપાટ વેગે આવી રહેલી રાજકોટ પાસિંગની જીજે-3 ઇ.સી. 6322 નંબરની કારના ચાલકે જીજે-10 ડી.જી.8264 નંબરના સ્કૂટરને ઠોકર મારી દેતાં ગોઝારો અકસ્માત સર્જાયો હતો. જે અકસ્માતમાં સ્કૂટર સવાર ધીરજલાલ છગનભાઈ પરમાર નું ગંભીર ઈજા થવાના કારણે મૃત્યુ નીપજ્યું હતું. ભારે રક્ત સ્ત્રાવ થઈ જવાના કારણે તેનો ભોગ લેવાયો હતો.

આ ઉપરાંત તેમની સાથે જ પાછળ બેઠેલા તેઓના વૃદ્ધ પિતા છગનભાઈ પરમાર કે જે ગંભીર સ્વરૂપે ઘાયલ થયા હતા. જેઓને સૌ પ્રથમ 108 નંબરની એમ્બ્યુલન્સ મારફતે સારવાર માટે રાજકોટ ની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતાં, જ્યાં તેઓની તબિયત લથડી હોવાથી વધુ સારવાર માટે અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે, અને તેઓની હાલત પણ ગંભીર ગણાવાઈ રહી છે. આ અકસ્માતના બનાવની જાણ થતાં ધ્રોલ પોલીસ સ્ટેશનનો સ્ટાફ ઘટના સ્થળે દોડી ગયો હતો, અને સમગ્ર અકસ્માત મામલે વધુ તપાસ હાથ ધરી છે. પોલીસે મૃતક ધીરજલાલ પરમાર ના પુત્ર રાહુલ પરમારની ફરિયાદના આધારે કારચાલક સામે ગુનો નોંધ્યો છે. કારચાલક અકસ્માત સર્જી કારને છોડીને ભાગી છૂટ્યો હોવાથી પોલીસ તેને શોધી રહી છે, જયારે મૃતદેહનો કબજો સંભાળી પોસ્ટમોર્ટમની કાર્યવાહી હાથ ધરી હતી.