જામનગર : હાપામાં પિતા-પુત્ર વ્યાજખોરો ની ચુંગાલમાં ફસાયા : 3 સામે ફરીયાદ

0
6557

જામનગર નજીક હાપા રેલવે કોલોનીમાં રહેતા રેલવેના કર્મચારી અને તેનો પુત્ર વ્યાજખોરોની ચુંગાલમાં ફસાયા

  • પુત્ર એ વાહનના ધંધામાં ખોટ જતાં ત્રણ વ્યાજખોરો પાસેથી ૧૦ થી ૨૦ ટકા વ્યાજે રકમ લીધી હતી

  • પિતા-પુત્ર રકમ ચૂકવી નહીં શકતાં ત્રણેય વ્યાજખોરો પઠાણી ઉઘરાણી કરી હેરાન પરેશાન કરતા હોવાથી પોલીસ ફરિયાદ નોંધાવાઇ

દેશ દેવી ન્યૂઝ જામનગર તા ૯ ઓગસ્ટ ૨૪, જામનગર નજીક હાપા રેલવે કોલોની માં રહેતા રેલવેના એક કર્મચારી નો પુત્ર વ્યાજખોરોની ચૂંગાલમાં ફસાયો હતો, અને ૧૦ થી ૨૦ ટકા ના વ્યાજ દરે રકમ લીધા પછી વ્યાજખોરો રેલવેના કર્મચારી અને તેના પુત્રને હેરાન કરતા હોવાથી મામલો પોલીસમાં લઈ જવાયો છે. જ્યાં ત્રણેય વ્યાજખોરો સામે ફરિયાદ નોંધાવી છે.

આ ફરિયાદ અંગેના બનાવની વિગત એવી છે કે જામનગર નજીક હાપા રેલવે કોલોની માં રહેતા અને રેલવેમાં નોકરી કરતા અશોકગર સોનગર મેઘનાથી એ પંચકોશી એ. ડિવિઝન પોલીસ મથકમાં પોતાને તેમજ પોતાના પુત્ર ને ત્રાસ આપી રાક્ષસી વ્યાજ માંગી હેરાન પરેશાન કરવા અંગે જામનગરમાં મેહુલ પાર્કમાં રહેતા યશપાલસિંહ મનહરસિંહ ઝાલા, હાપા મેઇન બજારમાં રહેતા ચંદુભાઈ ખીમજીભાઈ મકવાણા અને ધુવાવ હાઉસિંગ બોર્ડ કોલોની માં રહેતા ઈકબાલ યુસુફભાઈ ખીરા વગેરે સામે ફરિયાદ નોંધાવી છે.

પોલીસ ફરિયાદમાં જાહેર કરાયા અનુસાર ફરિયાદી રેલવે કર્મચારીના પુત્ર એ કાર ચલાવવા માટે નાણાં લીધા હતા, પરંતુ તેને ધંધામાં ખોટ જતાં ઉપરોક્ત ત્રણેય આરોપીઓ પાસે કટકે કટકે અલગ અલગ સમયે ૧૦ ટકા થી ૨૦ ટકા જેટલા ઊંચા વ્યાજના દરે રકમ મેળવી હતી.

જે તમામ રકમ અને વ્યાજના પૈસા વગેરે કઢાવવા માટે ત્રણેય વ્યાજખોરો પિતા પુત્રને ધાકધમકી આપી હેરાન પરેશાન કરતા હોવાથી આખરે મામલો પંચકોશી એ. ડિવિઝન પોલીસ મથકમાં લઈ જવાયો હતો, અને ત્રણેય સામે ફરિયાદ નોંધાવતાં પોલીસે મની લોન્ડરિંગ એક્ટ સહિતની અન્ય કલમો હેઠળ ગુનો નોંધ્યો છે, અને વધુ તપાસ હાથ ધરી છે.