જામનગરની જી. જી. હોસ્પિટલમાં ‘કાંડ’?
માનસીક વોર્ડમાં દાખલ મહિલાનું શંકાસ્પદ મોત
- મારી પત્નીનું ગળુ દબાવી દેતા મોત નિપજ્યું હોવાનો મૃતકના પતિનો આક્ષેપ.
- ગઇકાલ સાજનો બનાવ પોલીસ હોસ્પિટલ ખાતે દોડી ગઈ : સીસીટીવી ફૂટેજ ચેક કરાયા.
- પોલીસે યોગ્ય તપાસની ખાતરી આપતા મામલો થાળે પડ્યો હતો.
દેશ દેવી ન્યૂઝ જામનગર: તા.૧૯ ડિસેમ્બર ૨૨ જામનગર શહેરના પટેલ કોલોની શેરી નં-૭ એ રોડ નં-૪ માં રહેતાં અશોકભાઈ ભટ્ટજાણી નામના સિંધી લોહાણા વેપારી પ્રૌઢના પત્ની મધુબેન ભટ્ટજાણી (ઉ.વ.૪૫) નામના મહિલાને છેલ્લાં બે દાયકાથી માનસિક બીમારી થઈ હતી અને આ બીમારીના કારણે મધુબેનને સારવાર માટે જી.જી. હોસ્પિટલની નવી બિલ્ડિંગમાં ત્રીજા માળે આવેલા મહિલા સાયકેટ્રીક વોર્ડમાં દાખલ કરવામાં આવ્યાં હતાં. જ્યાં તેઓ છેલ્લા એકાદ મહિનાથી સારવાર લઇ રહ્યાં હતાં.
દરમિયાન રવિવારે સાંજના સમયે મધુબેન ભટ્ટી નામના મહિલાનું તેના જ વોર્ડમાં મોત નિપજયું હતું. જો કે, મૃતક મહિલાના પતિ અશોકભાઈના જણાવ્યા અનુસાર રવિવારે સાંજે આ વોર્ડમાં રહેલા એક માતા-પુત્રી ઝઘડો કરતા હતાં તે દરમિયાન મધુબેન બંને માતા-પુત્રીને છોડાવવા ગયા ત્યારે તે પૈકીને મહિલાએ મધુબેનનું ગળુ પકડી લીધું હતું. તે દરમિયાન અશોકભાઇ એ તેની પત્નીને તેના બેડ ઉપર સુવડાવતા બેશુદ્ધ થઈ ગઈ હતી. ત્યારબાદ તબીબોએ મધુબેનનું મોત નિપજયાનું જાહેર કર્યુ હતું તેમજ મૃતક મહિલાના પતિ અશોકભાઇ અન્ય મહિલાએ તેની પત્નીનું ગળુ દબાવી દીધું હોવાનો આક્ષેપ કર્યો હતો.જેના કારણે મામલો ગરમાયો હતો.
બનાવની જાણ થતા પીએસઆઈ બી.બી કોડિયાતર તથા સ્ટાફ ઘટનાસ્થળે દોડી ગયો હતો અને મામલો થાળે પાડવા પ્રયાસ કર્યો હતો. પશ્રંતુ મૃતકના પતિ દ્વારા કરાયેલા આક્ષેપને કારણે પોલીસે મૃતક મહિલાનું પેનલ પીએમ કરાવી ખાતરી આપી ત્યારબાદ મામલો થાળે પડયો હતો. આ રહસ્યમય ઘટનામાં પીએમ અને પોલીસ તપાસ બાદ જ સાચી હકીકતો બહાર આવશે.