જામનગર ૧૮૧ અભયમની ટીમે પરિવારથી વિખૂટી પડી ગયેલી મહિલાનું પુનઃમિલન કરાવ્યું

0
1875

જામનગર ૧૮૧ અભયમની ટીમે પરિવારથી વિખૂટી પડી ગયેલી મહિલાનું પુનઃમિલન કરાવ્યું

  • મૂળ રાજસ્થાનની અને નાઘેડિ ગામે સાસરે રહેતી મહિલા પરિવાર સાથે ખરીદી કરવા જતાં વિખૂટી પડી હતી

દેશ દેવી ન્યુઝ જામનગર  તા ૨૧ જુલાઇ ૨૩ જામનગર ૧૮૧ અભયમ મહિલા હેલ્પલાઈન મહિલાઓ માટે ખરા અર્થમાં આશીર્વાદરૂપ સાબિત થઈ રહી છે. તેનું વધુ એક ઉદાહરણ જામનગરમાં પરિવારથી વિખૂટી પડી ગયેલ પીડિતાનું પરિવાર સાથે પુનઃમિલન ૧૮૧ અભયમની ટીમ દ્વારા કરાવવામાં આવ્યું છે. જામનગરના એક જાગૃત નાગરિકે ૧૮૧ મહિલા હેલ્પલાઈનમાં ફોન કરીને જણાવ્યું હતું કે એક મહિલા 3થી 4 કલાકથી ગભરાયેલી હાલતમાં બેઠા બેઠા રડી રહ્યા છે. તેનું નામ સરનામું પૂછતાં કઈ જણાવતા નથી અને તેને મદદની જરૂર છે.

જામનગર ૧૮૧ અભયમની ટીમના કાઉન્સેલર શીતલબેન સોલંકી, પોલીસ કોન્સ્ટેબલ ઇલાબા ઝાલા અને પાયલોટ સુરજીતસિંહ વાઘેલાએ તાત્કાલિક સ્થળ પર પહોંચી પીડિતાને આશ્વાસન આપી કાઉન્સિલિંગ કર્યું હતું. જેમાં જાણવા મળ્યું હતું કે તે જામનગર તાલુકા પંથકમાં રહે છે. અને તેનું પિયર રાજસ્થાનમાં છે. તેણી પોતાના પતિ, બાળકો અને દેરાણી સાથે બપોરના સમયે ખરીદી કરવામાં માટે ગયેલ અને દેરાણી જેઠાણી ખરીદી કરતા હતા તે સમયે પીડિતા દેરાણીથી અલગ થઈ જતાં તેને આજુ બાજુમાં ત્રણ ચાર સુધી શોધતા મળ્યા નહિ. અને પહેલી જ વખત બહાર નીકળ્યા હોય એડ્રેસ તેમજ પરિવારનો કોઈ કોન્ટેક પણ નથી.

પીડિતાએ જણાવેલ કે તેઓ નાઘેડી ગામમાં રહે છે. બાદમાં અભયમની ટીમે ત્યાં પહોંચી રસ્તો શોધતા તેનું ઘર મળી ગયું, પરંતુ દરવાજા પર તાળું લગાવ્યું હતું. બાદમાં પાડોશીઓ પાસેથી પીડિતાના પતિના નંબર મેળવી તેમના સાથે વાતચિત કરતા જાણવા મળ્યું કે તે પણ પોતાની પત્નીને શોધી રહ્યા છે. અને તેણીને ગુજરાતી બોલતા પણ નથી આવડતું. અભયમની ટીમે જણાવ્યું કે પીડિતાને તેઓ ઘરે લાવ્યા છે તેથી તેમના પતિ ઘરે પહોંચ્યા અને પત્નીને સલામત જોઈને ભાવુક થયા હતા.

અભયમની ટીમ દ્વારા મહિલાને સમજાવવામાં આવ્યું હતું કે, હવેથી મોબાઈલ નંબર તેમજ એડ્રેસ યાદ કરી લેવા જેથી કરીને બીજી વખત આવી સમસ્યા ન સર્જાય. પોતાની પત્નીને સુરક્ષિત રીતે ઘરે પહોંચાડવા બદલ તેના પતિ અને પરિવારે અભયમ ૧૮૧ની ટીમનો આભાર વ્યક્ત કર્યો હતો.