દેવભૂમિ દ્વારકામાં ‘ઇન્કમટેક્ષ ઇન્સ્પેક્ટર’ ૩ હજારની લાંચ લેતા ઝડપાયો

0
261

દેવભુમી દ્વારકામાં ઇન્કમટેક્ષ ઇન્સ્પેક્ટર લાંચ લેતા રંગેહાથ ઝડપાતાં ભારે ખળભળાટ

દેશ દેવી ન્યૂઝ જામનગર તા. ૨૫ સપ્ટેમ્બર ૨૪ દેવભુમી દ્વારકાની ઇન્કમટેક્ષ કચેરીમાં ગઈકાલે એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. એક જાગૃત નાગરિકની ફરિયાદના આધારે એન્ટી કરપ્શન બ્યુરો (એસીબી) દ્વારા ઇન્કમટેક્ષ ઇન્સ્પેક્ટર સુનિલકુમાર અરવિંદકુમાર મીનાને રૂ. ૩૦૦૦ ની લાંચ લેતા રંગેહાથ ઝડપી લેવામાં આવ્યો છે, જેથી ભારે ખળભળાટ મચી ગયો છે.

ફરિયાદીનું પાનકાર્ડ બે વાર બની જવાથી તેણે નવું પાનકાર્ડ રદ કરાવવા માટે ઇન્કમટેક્ષ કચેરીમાં જવું પડ્યું હતું. જ્યાં આરોપી ઇન્સ્પેક્ટરે ફરિયાદીને ધમકાવીને રૂ. ૧૦,૦૦૦ ની પેનલ્ટી ભરવાનું કહ્યું હતું. બાદમાં આ રકમ ઘટાડીને રૂ. ૩૦૦૦ કરી દીધી હતી. ફરિયાદીએ આ બાબતે એસીબીનો સંપર્ક કરતાં સમગ્ર કૌભાંડ બહાર આવ્યું છે.અને જામનગર એસીબીએ ફરિયાદના આધારે છટકું ગોઠવી આરોપીને લાંચ લેતા રંગેહાથ ઝડપી લીધો હતો.

આ ઘટનાએ સરકારી કચેરીઓમાં ચાલતી ભ્રષ્ટાચારની પ્રવૃત્તિઓ પર પ્રકાશ પાડ્યો છે. આરોપી ઇન્કમટેક્ષ ઇન્સ્પેક્ટર સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે, તેવી જાહેરાત એસીબી દ્વારા કરવામાં આવી છે. આ ઘટનાએ લોકોમાં રોષની લાગણી ફેલાવી છે અને સરકારને ભ્રષ્ટાચાર રોકવા માટે કડક પગલાં ભરવાની માગ કરવામાં આવી છે.