જામ્યુકોમાં સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં રૂ. ૧૭.૩૮ કરોડ વિવિધ ખર્ચ ની દરખાસ્તો મંજૂર

0
1842

જામનગર મહાનગર પાલિકા ની સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં રૂ. ૧૭.૩૮ કરોડ વિવિધ ખર્ચ ની દરખાસ્તો મંજૂર

દેશ દેવી ન્યૂઝ જામનગર તા. ૯ ઓગસ્ટ ૨૪ જામનગર મહાનગર-પાલિકા ની આજે મળેલી સ્ટે.કમિટી ની બેઠક માં કુલ રૂ. ૧૭ કરોડ ૩૮ લાખના ખર્ચ અને રૂ. ૧૦ લાખ ની આવક ની દરખાસ્તોને મંજૂર કરવામાં આવી હતી. જેમા પીએમ ઈ-બસ સેવા અંતર્ગત ઈ-બસ ડેપો, ઈ-બસ ચાર્જિંગ સ્ટેશન, વહીવટી બિલ્ડિંગ વગેરે ની દરખાસ્ત માટે રૂ. ૧૩ કરોડ, ૭૦ લાખ નાં ખર્ચ નો સમાવેશ થાય છે.

જામનગર મહાનગર-પાલિકાની સ્ટેન્ડિંગ કમિટીની બેઠક આજે બપોરે ચેરમેન નિલેષ કગથરા ના અધ્યક્ષ સ્થાને મળી હતી. તેમાં ૧૧ સભ્યો ઉપરાંત મેયર વિનોદ ખીમસૂર્યા, ડે. મેયર ક્રિષ્નાબેન સોઢા, મ્યુનિ. કમિશનર ડી એન મોદી, ડે. કમિશનર દેવેન્દ્રસિંહ ઝાલા, સિટી ઈજનેર ભાવેશ જાની સહિત ના ઓ ઉપસ્થિત રહ્યા હતા. મહાલક્ષ્મી બંગલો થી પ્રણામી ટાઉનશીપ – ૫ થી કિચનએજ હોટલ થઈ, નાઘેડી બાયપાસ જંકશન સુધી સ્ટ્રોમ વોટર બોકસ કેનાલ તથા મહાલક્ષ્મી બંગલો થી પ્રણામી ટાઉનશીપ-૫ સુધી સીસી રોડ બનાવવાની દરખાસ્ત રિટેન્ડર કરવા નિર્ણય લેવાયો હતો. એરફોર્સ-૨ થી ઋષિ બંગલો થઈ સત્યમ કોલોની અન્ડર બ્રિજ થઈ ૧૪૦૪ આવાસ યોજનાથી, શિવમપાર્ક થઈને દિગ્જામ રેલવે ક્રોસિંગ સુધી સ્ટ્રોમ વોટર બોક્સ કેનાલ બનાવવાની દરખાસ્ત અંગે પણ રિટેન્ડર કરવા નિર્ણય લેવાયો હતો.

પીએમ ઈ-બસ સેવા અંતર્ગત ઈ બસ ડેપો, ઈ બસ ચાર્જિંગ સ્ટેશન, ઈલેક્ટ્રીક ઈન્ફ્રાસ્ટ્રક્ચર અને વહીવટી બિલ્ડિંગ (ફેસ-૧)ના કામની દરખાસ્ત અન્વયે રૂ. ૧૩ કરોડ ૭૦ લાખ નો ખર્ચ મંજૂર કરાયો હતો. અન્નપૂર્ણા સર્કલ, કાલાવડ રોડ ના જંક્શન પર ટોય સર્કલ બનાવવા માટે રૂ. ૧૬.૧૪ લાખનો ખર્ચ મંજૂર કરાયો હતો. વોર્ડ નં ૧૬ અને ૧૨ માં કીર્તિ પાન થી વાયા હર્ષદમીલ ની ચાલી થી લઈ બાકી રહેતા ડી.પી. રોડ માં મેટલ રોડ બનાવવા માટે વધારા નો રૂ. ૭.૨૮ લાખનો ખર્ચ મંજૂર કરાયો હતો.

ચોમાસા દરમ્યાન ભાડાથી હાઈડ્રોલિક એસ્કેવેટર તથા ટ્રેક્ટર વિથ ટ્રોલી માટે રૂ. ૨૦ લાખ, દરેડ થી લાખોટા તળાવ સુધી આવતી ફીડીંગ કેનાલ માં જીઆઈડીસી ઉદ્યોગનગર ના પાણી ભળે નહીં તેના નિકાલ માટે પાઈપ ડ્રેનેજના કામ માટે રૂ. ૨૪.૬૭ લાખ , તેમજ વોર્ડ નં. ૮ અને ૧૪ માં એમઈએસ એરિયા થી ૪૯ દિ.પ્લોટ મેઈન રોડ થી ઓપન કેનાલ સુધી સ્ટ્રોમ વોટર ડ્રેનેજ પાઈપલાઈનના કામ માટે રૂ. ૨૪.૯૬ લાખનો ખર્ચ મંજૂર કરાયો હતો. વોર્ડ નં. ૧, ૬ અને ૭ માં ટ્રાફિક વર્કના કામ માટે રૂ. ૫ લાખ. કેબલ લાઈન ના લેઈંગ કામ માટે કરવામાં આવેલ ટ્રેન્ચ માં સીસી ચિરોડા માટે રૂ. ૧૦ લાખ નો વધારા નો ખર્ચ મંજૂર કરાયો હતો. જ્યારે વોડ નં.૫ ,૯, ૧૩, ૧૪ માં ગટર વર્કના કામ માટે વધારા નો રૂ. ૧૫ લાખ નો ખર્ચ મંજૂર કરાયો હતો.

વોર્ડ નં. ૧૬ માં ખાનગી સોસાયટીઓમાં તથા હાઉસિંગ બોર્ડ ની વસાહતો અને અન્ય રહેણાક વિસ્તારો માં લોક ભાગીદારી થી માળખાકીય સુવિધાઓ ના વિકાસ માટે રૂ. ૧૭.૭૧ લાખનો ખર્ચ મંજૂર કરાયો હતો.મ્યુનિ. હાઈસ્કૂલના સંચાલન અંગેની નિભાવ ગ્રાન્ટ માટે રૂ. ૪ લાખ ૫૦ હજાર ચૂકવવા નિર્ણય લેવાયો હતો. મહાનગપાલિકાની જુુદી-જુદી શાખાના જુદા-જુદા પ્રકારના ભંગાર માલસામાન વેંચાણ કરવાનો નિર્ણય લેવાયો હતો. જે અન્વયે મહાનગરપાલિકાને રૂ. ૧૦ લાખ ની આવક થશે. સોલિડ વેસ્ટ શાખાના કાર્યપાલક ઈજનેર માટે મોટર ભાડે રાખવા વાર્ષિક રૂ. ૪.૨૦ લાખ, અર્બન પ્લાનરની જગ્યા પર કોન્ટ્રાક્ટ બેઝ થી ૧૧ માસ માટે નવી નિમણૂક આપવા નિર્ણય કરાયો હતો.

ડીવાયએસપી બંગલાથી મિગ કોલોની સુધીના ૧૮ મી. પહોળાઈના ડી.પી રોડની અમલવારીનો સૈદ્ધાંતિક સ્વીકાર કર્યા બાદ આ રસ્તો ખુલ્લો કરવા જરૂરી કામગીરી હાથ ધરવા નિર્ણય લેવાયો હતો. જ્યારે જ્ઞાનશક્તિ સર્કલથી સીતારામ સોસાયટી સુધી ૭૫ મી. ના બાયપાસ રોડને જોડતા ૨૪ મી. પહોળા ડી.પી. રોડની અમલવારી માટે આ રસ્તો ખુલ્લો કરવા માટે ધોરણસર કાર્યવાહી કરવા માટે નિર્ણય લેવાયો હતો.

જ્ઞાનશક્તિ સર્કલથી સમર્પણ સર્કલ સુધીનો ૩૦ મી. પહોળા ડી.પી. રોડ માટે લાઈનદોરી મંજૂર કરવામાં આવી હતી. અને વાંધા -સૂચનો મંગાવી જરૂરી કાર્યવાહી મંજૂર કરવામાં આવી હતી. પંચેશ્વર ટાવરથી આણદાબાવા ચકલા થઈ ચાંદી બજાર સુધી ભૂગર્ભ ગટર ની પાઈપલાઈન માટે રૂ. ૪૦.૯૬ લાખનો ખર્ચ મંજૂર કરાયો હતો.

હર ઘર તિરંગા કાર્યક્રમ અંગે રાષ્ટ્રધ્વજ અને તેને ફરકાવવાની સ્ટિકના માટે રૂ. ૫૫.૫૦ લાખ. અમદાવાદ સ્થિત પાંજરાપોળમાં ઢોર ટ્રાન્સફર કરવા માટે રૂ. ૧૦૭ લાખનો ખર્ચ મંજૂર કરવામાં આવ્યો હતો.

આ ઉપરાંત અધ્યક્ષ સ્થાનેથી ચાર દરખાસ્તો રજૂ કરવામાં આવી હતી. જેમાં પ્રદર્શન ગ્રાઉન્ડમાં આયોજિત શ્રાવણી મેળામાં પોલ, કેબલ તેમજ ગાળા કરવા માટે રૂ. ૭.૫૪ લાખ તથા મેળામાં લાઈટિંગ અને ડેકોરેશન માટે ૭.૯૧ લાખનું ખર્ચ મંજૂર કરાયુ છે. જ્યારે નિવૃત્ત ડે. સેક્રેટરી અશોકભાઈ પરમાર ને સરકાર ની મંજૂરી મળ્યા પછી ડે. સેક્રેટરી તરીકે કોન્ટ્રાક્ટ બેઝ થી નિમણૂક આપવા નો નિર્ણય લેવાયો હતો. જ્યારે જામનગર મહાનગર-પાલિકામાં ફાયર પ્રિવેન્શન વિંગની રચના કરવાની કમિશનરની દરખાસ્તને મંજૂર કરવામા આવી હતી.