જામનગર મહાનગરપાલિકાના વધુ બે કર્મચારીઓના રાજીનામાં!
દેશ દેવી ન્યુઝ જામનગર: તા. ૨૨-૧૨-૨૨ જામનગર મહાપાલિકાના ટેકસ શાખાના અધિકારી નિકુંજ શુકલએ રાજીનામું આપી દીધું છે, ઉપરાંત ભૂગર્ભ શાખાના નાયબ ઇજનેર જયેશ કાનાણીએ પણ તેમનું રાજીનામું કમિશ્નરને મોકલી આપ્યું છે. આમ બે અધિકારીએ એકાએક રાજીનામું આપતા કોર્પોરેશનમાં ચર્ચાઓ શરૂ થઇ છે, કામના ભારણના કારણે રાજીનામું આપ્યું છે કે, અન્ય કારણો છે ? તે અંગે પણ અનેક તર્ક-વિતર્ક થઇ રહ્યા છે, અધુરામાં પુરૂ હોય તેમ ગાર્ડન શાખાના અધિકારી મકવાણા આ મહીનાના અંતમાં નિવૃત થઇ જશે. એટલે કે ઉપરોકત બે અધિકારીઓના રાજીનામા કમિશ્નર મંજુર કરે તો મહાપાલિકાને વધુ ત્રણ અધિકારીઓની ખોટ પડશે.
વોટર વર્કશ શાખામાં કાર્યપાલક ઇજનેરની નિમણુંક થઇ નથી, એવી જ રીતે ભૂગર્ભ ગટર શાખામાં પણ કાર્યપાલક ઇજનેરની ભરતી બાકી છે અને નાયબ કાર્યપાલક ઇજનેરની નિમણુંક કરવામાં આવતી નથી, અનેકને પ્રમોશન આપવામાં ન આવ્યા હોય અધિકારીઓ ટ્રેસ ભોગવી રહ્યા છે.
જામનગર મહાપાલિકાની ડીએમસીની ખુરશીમાં કોઇ બેસવા તૈયાર નથી, ડીએમસી એ.કે.વસ્તાણી બે વર્ષ સુધી ટકી રહ્યા પરંતુ મોટેભાગે અગાઉ આ પોસ્ટ ઉપર મુકેશ કુંભારાણા ચાર્જ સંભાળતા હતાં અને હવે આ ચાર્જ ભાવેશ જાનીના સીરે છે, જામનગર મહાપાલિકામાં કેટલાયને અન્યાય થઇ રહ્યો છે, અનેક તો નિવૃતિના આરે છે, પરંતુ હજુ સુધી તેમને કોઇ પ્રમોશન અપાયું નથી અને કેટલાક મામકાઓને વચ્ચેથી પ્રમોશન આપી દેવામાં આવ્યા છે.