જામનગરમાં ગણપત નગર વિસ્તારમાં યુવતિની છેડતી મામલે બઘડાટી: સામ-સામી ફરિયાદ
દેશ દેવી ન્યુઝ નેટવર્ક જામનગર : જામનગરમાં ગણપત નગર વિસ્તારમાં રહેતા દિલીપ રમેશભાઈ વરણ નામના 40 વર્ષના દલિત યુવાને પોતાના ઉપર તેમજ મહેશ ચાવડા નામના અન્ય એક દલિત યુવાન પર કુહાડી-લાકડી જેવા હથિયારો વડે હુમલો કરી ઇજા પહોંચાડવા અંગે તેમજ સમાજમાં હલકા પાડવા માટે હડધુત કરવા અંગે ગણપત નગર વિસ્તારમાં રહેતા અજય ભુપતભાઈ સોઢા, અને તેની ભાભી, ઉપરાંત સલીમ, તથા અન્ય એક અપંગ પુરુષ સહિત ચાર શખ્સો સામે ફરિયાદ નોંધાવી છે.
જ્યારે બન્ને ઈજાગ્રસ્તોને જામનગરની જી.જી.હોસ્પિટલમાં સારવાર અપાઇ છે. આ ઉપરાંત સામા પક્ષે પણ એક આરોપી સહિત બે વ્યક્તિ પર હુમલો કરવા અંગે પિતા- પુત્ર સહિત ત્રણ સામે વળતી ફરિયાદ નોંધાવાઈ છે.
પોલીસ ફરિયાદમાં જાહેર કરાયા અનુસાર મહેશ ચાવડા નામનો યુવાન ગઇકાલે ગણપત નગર વિસ્તારમાં ઉભો હતો, દરમિયાન તે વિસ્તારમાં રહેતા ચારેય પાડોશી આરોપીઓ કે જેઓએ આવીને કહ્યું હતું, કે તું અહીં ઉભા રહીને આમારા ઘરની યુવતીઓની છેડતી કરી રહ્યો છે. તેમ કહી જીભાજોડી કરી હતી. દરમિયાન દિલીપભાઈ તેને છોડાવવા માટે આવ્યા હતા, તે સમયે ડખ્ખો સર્જાયો હતો, અને બન્ને ઉપર ચારેય શખ્સોએ હુમલો કરી દીધો હોવાનું પોલીસમાં જણાવાયું છે.
આ બનાવ અંગે પોલીસે હુમલા અંગેની તેમજ અસ્પૃશ્યતા ધારાની કલમો હેઠળ ગુનો નોંધ્યો છે, અને ચારેય આરોપીઓની શોધખોળ હાથ ધરી છે. સામા પક્ષે અજય ભુપતભાઈ સોઢાએ પોતાના ઉપર તેમજ નિતીન ભાઈ રાઠોડ પર કપાળમાં લાકડીનો ઘા ઝીંકી દઇ ઇજા પહોંચાડવા અંગે મહેશ આલાભાઇ ચાવડા, યસ ઉર્ફે ઝીણો વરણ, તથા દિલીપભાઈ વરણ સામે વળતી ફરિયાદ નોંધાવી છે. જે મામલે પણ પોલીસ વધુ તપાસ ચલાવે છે.