જામનગર ત્રણ બતિ વિસ્તારમાં બે યુવાન પર સરાજાહેર હથિયારો વિંજાયા : 8 શખ્સોની ધમાલ

0
7669

જામનગરમાં ત્રણબતી વિસ્તારમાં બે યુવાનો પર આઠ શખ્સોનો હથિયાર વડે જીવલેણ હુમલો

  • ઈજાગ્રસ્ત બન્ને યુવાનોને હોસ્પિટલ ખસેડાયા : પોલીસ કાફલો હોસ્પિટલ તેમજ ઘટનાસ્થળે દોડી ગયો

દેશ દેવી ન્યૂઝ જામનગર તા ૧૯ નવેમ્બર ૨૪, જામનગરના ત્રણબતી વિસ્તારમાં ગઈકાલે રાતે હાથમાં તલવાર, લોખંડના પાઈપ, લાકડાંના ધોકા અને છરી સાથે ધસી આવેલા આઠ શખ્સોએ મચ્છી પીઠ વિસ્તારમાં ઉભેલા બે યુવાનોને કંઈ સમજે વિચારે તે પહેલાં ગાળો કાઢી, ઝઘડો કરી અચાનક હુમલો કરી દેતાં યુવાનને તાત્કાલિક ગંભીર ઈજા થવાથી સારવારઅર્થે હોસ્પિટલ ખાતે ખસેડાયો હતો. બીજી તરફ આ બનાવની જાણ થતાં સ્થાનિક પોલીસ અધિકારી સહિતનો કાફલો સ્થળ પર દોડી ગયો હતો અને હુમલો કરી નાશી છૂટેલા શખ્સો સામે ફરિયાદ પરથી ગુનો દાખલ કરી તમામને ઝડપી લેવા દોડધામ શરૂ કરી હતી. આ પ્રકારે જાહેરમાં બનતા ગંભીર બનાવોને અટકાવવા પોલીસે સખતાઈથી વર્તવું જોઈએ તેવી બુધ્ધિજીવીઓની માંગણી છે. જાહેરમાં શસ્ત્રો સાથે ધસી આવેલા શખ્સોએ દંગલ મચાવતા આસપાસના વિસ્તારમાં ભયનો માહોલ પ્રસરી ગયો હતો.

પ્રાપ્ત વિગત મુજબ જામનગરમાં ત્રણ બતી વિસ્તારમાં મચ્છી પીઠમાં આવેલ સાદીકભાઈની દુકાન પાસે ફારૂક અનવરભાઈ ખોડ નામનો યુવાન આવેશ ફીરોજભાઈ ગંઢાર, કાદર હુસેનભાઈ છરેચા તથા અન્ય વ્યકિતઓ સાથે ગઈકાલે છોટા હાથી વાહનમાંથી મચ્છીના બોકસ ઉતારી ઉભો હતો ત્યારે અહીં શબ્બીર જુનશભાઈ સંઘાર, અકરમ બીલાલ સંઘાર, મહેબુબ કાસમ સંઘાર, મહમદરઝા ઈશા સંઘાર, આદમ આમદ, રહીમ ઈબ્રાહિમ સંઘાર, ફારૂક ઈબ્રાહિમ સંઘાર અને ઈબ્રાહિમ સંઘાર નામના માધાપર ભુંગાના શખ્સો ધસી આવ્યા હતા અને ગેરકાયદેસર મંડળી રચી હાથમાં લોખંડના પાઈપ અને લાકડાંના ધોકા તથા છરી અને તલવાર ધારણ કરી ફારૂક તેમજ આવેશ ફીરોઝભાઈ ગંઢાર નામના બે યુવાન ઉપર એકાએક હુમલો કર્યો હતો. આથી તેને માથાના ભાગે હેમરેજની ગંભીર ઈજા તેમજ આંખના નેણ ઉપર છોલછાલની અને હાથમાં તેમજ પેનીના ભાગે પણ ફ્રેકચરની ઈજા પહોંચતા તાત્કાલિક ગંભીર હાલતમાં હોસ્પિટલ ખાતે ખસેડાયા હતા.

આ બનાવની જાણ થતાં સિટી બી ડિવિઝનના પીઆઈ પી પી ઝા સહિતનો પોલીસ કાફલો હોસ્પિટલ અને ઘટનાસ્થળે દોડી ગયો હતો. જયાં ફારૂક અનવરભાઈ નામના યુવાનની ફરિયાદ પરથી આઠેય શખ્સ સામે હત્યાનો પ્રયાસ સહિતની જુદી જુદી કલમ હેઠળ ગુનો દાખલ કરી તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો. ઝઘડાના આ બનાવથી આજુબાજુમાં ભયનો માહોલ ફેલાયો હતો. ત્યારે પોલીસે કડક હાથે આવા તત્વો સામે કામ લેવું જોઈએ તેવી માંગણી ઉઠવા પામી છે અને છાશવારે જાહેર જગ્યાઓ પર બનતા બનાવોને અટકાવવા આરોપીઓ સામે સખત પગલાં લેવા જોઈએ.