જામનગરમાં ‘દિવલા ડોને’ વિદ્યાર્થીની આંગળીઓ ચીરી નાંખી

0
13034

જામનગરમાં કુખ્યાત દિવલા ડોને ફરીથી પોત પ્રકાશ્યું: બાઇક ફેરવવાની ના પાડનાર બે વિદ્યાર્થી યુવાનો પર છરી વડે હુમલો કર્યા ની ફરિયાદ

દેશ દેવી ન્યૂઝ જામનગર તા ૧૩ એપ્રિલ ૨૪ જામનગરના કુખ્યાત દિવલા ડોને ફરીથી પોત પ્રકાશયું છે, અને બાઈક પર જઈ રહેલા બે વિદ્યાર્થીઓને અટકાવીને બાઈક ફેરવવાની માંગણી કરી હતી, જેની ના પાડતાં ઉશ્કેરાઈ જઇ બંને યુવાનો પર છરી વડે હુમલો કર્યા ની ફરિયાદ પોલીસમાં નોંધાવવામાં આવી છે.આ હુમલાની ફરિયાદ ના બનાવની વિગત એવી છે કે જામનગરના ગાંધીનગર નજીક મોમાઈ નગર શેરી નંબર ૪ માં રહેતો અને અભ્યાસ કરતો પૃથ્વીરાજસિંહ યોગેન્દ્ર સિંહ ગોહિલ નામનો ૨૦ વર્ષનો યુવાન પોતાનું બાઈક લઈને તેમાં પાછળ તેના મિત્ર કુલદીપ સિંહ જાડેજા ને બેસાડીને શાંતિનગર વિસ્તારમાંથી પસાર થઈ રહ્યો હતો.

જે દરમિયાન શાંતિ નગર વિસ્તારમાં જ રહેતો દિવ્યરાજસિંહ ઉર્ફે દિવલો ડોન તેની આડે બાઇક નાખીને ઉભો રહી ગયો હતો, અને તારું બાઈક મને ફેરવવા આપ,તેમ કઈ બાઈકની માંગણી કરી હતી. જેથી પૃથ્વીરાજસિંહ ગોહિલે ના પાડતાં આરોપી દીવલો ઉશ્કેરાઈ ગયો હતો, અને પોતાના ની પાસે રહેલી છરી કાઢી સૌ પ્રથમ પૃથ્વીરાજસિંહ પર હુમલો કરી દીધો હતો. જેથી તેના ડાબા હાથની ત્રણ આંગળીઓમાં છરીના ઘા વાગ્યા હોવાથી ગંભીર ઇજા થઈ હતી અને જી.જી. હોસ્પિટલમાં ટાંકા લેવા પડ્યા છે.

આ ઉપરાંત બાઇકની પાછળની સીટમાં બેઠેલા કુલદીપસિંહ જાડેજા એ દીવલા ડોનને અટકાવવા જતાં તેણે તેના ઉપર પણ છરી વડે હુમલો કર્યો હતો, અને જમણા હાથની આંગળીમાં ઈજા થઈ હતી. જેને પણ સારવાર લેવી પડી છે.

આ સમગ્ર મામલો પોલીસમાં લઈ જવાયો હતો, અને પૃથ્વીરાજસિંહ ગોહિલ ની ફરિયાદ ના આધારે સિટી બી. ડિવિઝન ના પી.એસ.આઇ. ડી.જી. રાજ અને તેમની ટીમ દ્વારા આરોપી દિવલા ડોન સામે હુમલા અંગેની કલમ ૩૨૪, ૩૨૩, ૫૦૪, ૫૦૬-૨ તેમજ જી.પી.એક્ટ કલમ ૧૩૫-૧ હેઠળ ગુનો નોંધ્યો છે’ અને હાલ આરોપી ભાગી છૂટ્યો હોવાથી તેની શોધખોળ ચલાવાઇ રહી છે.