શિક્ષણ વિભાગ દ્વારા મહત્વની જાહેરાત: DE0ની હંગામી મંજુરીથી ધોરણ-૧૧ ના વર્ગ ચાલું કરી શકાશે.

0
291

શિક્ષણ વિભાગ દ્વારા મહત્વની જાહેરાત: ડીઈઓની હંગામી મંજૂરી મેળવીને શાળા સંચાલક કામચલાઉ ધોરણે 11માં ધોરણના વર્ગ શરૂ કરી શકશે.

ગાંધીનગર: રાજ્યમાં કોરોના ધીરે ધીરે કાબુમાં આવી રહ્યો છે, કેસ પણ ખુબ જ ઘટી ગયા છે અને રોજિંદી રીતે 30 ની આસપાસ કેસ આવે છે.

તેવામાં શાળાઓ પણ તબક્કાવાર રીતે શરૂ કરવામાં આવી રહી છે. ઓનલાઇન શિક્ષણના બદલે ઓફલાઇન શિક્ષણ તરફ ફરી એકવાર શાળાઓ જઇ રહી છે. ત્યારે હવે ધોરણ 11ના વર્ગ શરૂ કરવા સંદર્ભે પણ શિક્ષણ વિભાગ દ્વારા મહત્વની જાહેરાત કરવામાં આવી હતી.

જે અનુસાર ડીઈઓની હંગામી મંજૂરી મેળવીને શાળા સંચાલક કામચલાઉ ધોરણે 11માં ધોરણના વર્ગ શરૂ કરી શકશે.

અત્રે ઉલ્લેખનીય છે કે, કોરોના કાળમાં પરીક્ષા શક્ય નહી હોવાનાં કારણે ધોરણ 10માં માસ પ્રમોશન આપવામાં આવ્યું હતું. જેના કારણે તમામ વિદ્યાર્થીઓ પાસ થયા છે એટલે કે અંદાજે 8.57 લાખ જેટલા વિદ્યાર્થીઓ પાસ જાહેર થયા છે. તેવામાં ધોરણ 11 ના વર્ગ વધારવા પડે એવી સ્થિતિ પેદા થઈ છે.

બિનસરકારી ગ્રાન્ટેડ ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં તદ્દન કામચલાઉ ધોરણે વર્ષ 2021 – 22 માટે ધોરણ 11 ના પ્રથમ વર્ગ અને વર્ગ વધારા માટે તથા વર્ષ 2022 – 23 માટે ધોરણ 12 માં વર્ગ વધારાની મંજૂરી ડીઈઓ કક્ષાએથી હંગામી ધોરણે લેવાની રહેશે. ધોરણ 11 ના વર્ગ માટે 75 બાળકોને પ્રવેશ આપી શકાશે.

વધુ સુવિધા ઉપલબ્ધ હોય તો સંચાલક વિબેકબુદ્ધિ વાપરી વધુ બાળકોને પ્રવેશ આપી શકશે તેવી પણ છુટ આપવામાં આવી છે. અન્ય વર્ગની જરૂરિયાત ઉભી થાય તો ગ્રામ્યમાં 24 જ્યારે શહેરી વિસ્તારમાં 36 વિદ્યાર્થીદીઠ વર્ગ વધારો આપી શકાશે. આ કામચલાઉ વર્ગો માટે શાળાને સરકાર તરફથી કોઈ ગ્રાન્ટ આપવામાં આવશે નહીં.

હંગામી અને કામચલાઉ રીતે મળેલી વર્ગ વધારાની મંજૂરી એક વર્ષ બાદ આપોઆપ રદ્દ થઈ જશે. ધોરણ 10 ના તમામ વિદ્યાર્થીઓને માસ પ્રમોશન આપવાની જાહેરાત થઈ તે સમયે વર્ગ વધારો આપવા અંગે ગુજરાત રાજ્ય શાળા સંચાલક મંડળે જુલાઈ મહિનામાં શિક્ષણ વિભાગને પત્ર લખી વર્ગ વધારો આપવા અંગે માંગ કરી હતી. આખરે ગુજરાત રાજ્ય શાળા સંચાલક મંડળ દ્વારા કરાયેલી માંગ મુજબ રાજ્ય સરકારે કરી જાહેરાત. ધોરણ 10ના તમામ વિદ્યાર્થીઓને ધોરણ 11 માં પ્રવેશ મળી રહે એ હેતુથી નિર્ણય કરાયો. જેથી ડ્રોપ આઉટ રેશિયો પણ ઘટી શકશે.