ઠેબા નજીકથી ગેરકાયદેસર 12,400 લીટર બાયોડીઝલ અને 1000 લીટર ઓઇલનો જથ્થો ઝડપાયા
રૂા.21.80 લાખનો મુદ્દામાલ કબ્જે કરી બે શખ્સોની ધરપકડ કરી પાંચ શખ્સો વિરૂઘ્ધ ગુનો નોંધી તપાસ શરૂ
દેશ દેવી ન્યુઝ જામનગર O9. જામનગર તાલુકાના મોટા થાવરિયાથી ઠેબા ગામ નજીક આવેલા અક્ષર કોમ્પલેક્ષમાં આવેલી ગીતા લોજીસ્ટીકની ઓફિસ સામે ગેરકાયદેસર બાયોડીઝલનું કૌભાંડ ચાલતું હોવાની મળેલી બાતમીના આધારે ઈન્ચાર્જ જિલ્લા પોલીસવડા સુનિલ જોશીની સૂચનાથી ગ્રામ્ય ડીવાયએસપી કૃણાલ દેસાઈના માર્ગદર્શન હેઠળ PSI એમ.આર.સવસેટા તથા સ્ટાફે મંગળવારે મોડી સાંજના રેઈડ દરમિયાન જયેન્દ્ર વલ્લભ દુધાગરા અને સાજીદ રહીમ સોરઠીયા નામન બે શખ્સોના કબ્જામાંથી ભેળસેળયુક્ત બાયોડીઝલ જેવુ જ્વલનશીલ પ્રવાહી 12400 લીટર કિ.રૂા.8,06,000 તથા ઓઇલ 1000 લીટર કિ.રૂ.50,000 તથા લોખંડનો મોટો ટાંકો, પ્લાસ્ટીકનો ટાંકો, 26 ખાલી બેરલો, પાઇપ સાથેની ત્રણ ઇલેક્ટ્રીક મોટર તથા ઇલેક્ટ્રીક ફીલીંગ મશીન તેમજ સ્ટેબીલાઇઝર તથા ગુનામાં ઉપયોગ લીધેલ ટ્રક, આઇસર વાહન તથા મોબાઇલ નંગ 3 તેમજ અન્ય સાધન-સામગ્રી મળી કુલ રૂા. 21,80,000નો મુદામાલ મળી આવ્યો હતો.
પોલીસે બંને શખ્સોની અટકાયત કરી કોરોના ટેસ્ટ કરાવવા તજવીજ હાથ ધરી છે.પૂછપરછમાં આરોપી જયેન્દ્રએ તેના પાર્ટનર આરોપી આશિષ સોઢા સાથે મળી આરોપી નીરવ મધુસુદન સોની પાસેથી ભેળસેળ યુક્ત બાયો ડીઝલ જેવુ જ્વલનશીલ પ્રવાહી તેમજ ઓઇલ મેળવી તેમજ નીરવએ જથ્થો પુરો પાડી આરોપી જયેન્દ્રએ પોતાના સાગ્રીત સાજીદની મદદગારીથી ભેળસેળ યુક્ત બાયો ડીઝલનો જથ્થો પોતાના કબ્જા ભોગવટામાં રાખી તેમજ આરોપી આઇસર ચાલક સલીમ સતાર સોરઠીયાએ ભેળસેળ યુક્ત બાયો ડીઝલનો જથ્થાની હેર-ફેર કરી તમામ આરોપીઓએ પેટ્રોલીયમ અને પ્રાકૃતીક ગેસ મંત્રાલયની કોઇ મંજુરી મેળવ્યા વગર જ્વલનશીલ પદાર્થ અનઅધિકૃત રીતે ઉપયોગ કરી ઇંધણ તરીકે વેચાણ કરી વાતાવરણ પ્રદુષીત કરી તેમજ ફાયર સેફ્ટીના સાધનો વગર રહેણાંક વિસ્તારમાં મોટા પ્રમાણમાં જ્વલનશીલ પ્રવાહી રાખી ગંભીર બેદરકારી દાખવી જયેન્દ્ર અને સાજીદની અટકાયત કરી આશિષ સોઢા, સલીમ સતાર સોરઠીયા અને નિરવ મધુસુદન સોની સહિતના પાંચ શખ્સો વિરૂધ્ધ ગુનો નોંધી અન્ય ત્રણ શખસોને ઝડપી લેવા તપાસનો ચક્રો ગતિમાન કર્યા હતાં.