જામનગરમાં તહેવારોની રજાઓ દરમિયાન શાકભાજીના ભાવ આસમાને પહોંચ્યા : ગૃહિણીઓ મુશ્કેલીમાં
-
ટ્રાન્સપોર્ટ સેવાઓ બંધ હોવાને કારણે માંગ વધુ હોવા છતાં પુરવઠો ઓછો હોવાથી ભાવમાં વધારો થયો
દેશ દેવી ન્યૂઝ જામનગર, તા. ૫ નવેમ્બર ૨૪ તહેવારોની રજાઓમાં જામનગરમાં શાકભાજીના ભાવમાં ભારે વધારો થયો છે. ટ્રાન્સપોર્ટેશન સેવાઓ બંધ હોવાને કારણે આવકમાં ઘટાડો થતાં શાકભાજીના પુરવઠામાં અડચણો સર્જાઈ છે. જેના કારણે બજારમાં શાકભાજીના ભાવ આસમાનને આંબી રહ્યા છે.
સ્થાનિક બજારમાં વટાણા કિલોના ૨૪૦ રૂપિયા, ગુવાર ૧૬૦ રૂપિયા, ભીંડો ૮૦ રૂપિયા, દૂધી ૫૦ રૂપિયા, રીંગણા ૧૦૦ રૂપિયા, કાકડી ૬૦ રૂપિયા, કૂલાવર ૧૦૦ રૂપિયા, કોબી ૭૦ થી ૮૦ રૂપિયા, ટીંડોળા ૮૦ રૂપિયા, ચોરા ૮૦ રૂપિયા, લીંબુ ૧૬૦ રૂપિયા અને ટમેટા ૫૦ રૂપિયાના ભાવે વેચાઈ રહ્યા છે. આ ભાવ વધારાથી ગૃહિણીઓ મુશ્કેલીમાં મુકાઈ છે.
મોંઘવારીના મારથી પહેલાથી જ ઝઝૂમી રહેલા નાગરિકો માટે આ વધારો વધુ એક આઘાત સમાન છે. દરરોજની રસોઈમાં અનિવાર્ય ગણાતા શાકભાજીના ભાવમાં થયેલા વધારાથી ગૃહિણીઓની આર્થિક સ્થિતિ પર માઠી અસર પડી રહી છે. મર્યાદિત બજેટમાં મોંઘા ભાવે શાકભાજી ખરીદવાની ફરજ પડી છે.
તહેવારોની ખરીદીની સાથે સાથે હવે શાકભાજી ખરીદવા માટે પણ મોટી રકમ ખર્ચવી પડે છે. આ અંગે ગૃહિણીઓમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. તેઓ સરકાર પાસેથી ભાવ વધારાને કાબૂમાં લેવાની માંગ કરી રહ્યા છે.