ખંભાળીયા ખાતે ગૃહમંત્રી પ્રદીપસિંહ જાડેજાના હસ્તે મહારાણા પ્રતાપની પંચધાતુની પ્રતિમાનું અનાવરણ કરાયું

0
822

ખંભાળીયા ખાતે ગૃહમંત્રી પ્રદીપસિંહ જાડેજાના હસ્તે મહારાણા પ્રતાપની પંચધાતુની પ્રતિમાનું અનાવરણ કરાયું

ખંભાળીયા નગરપાલીકા ટાઉનહોલ ખાતે ગૃહમંત્રી પ્રદીપસિંહ જાડેજાના અધ્યક્ષસ્થાને સંસદસભ્ય પૂનમબેન માડમની ઉપસ્થિતિમાં મહારાણા પ્રતિમા અનાવરણનો કાર્યક્રમ યોજાયો
મહારાણા પ્રતાપની પ્રતિમા થકી ખંભાળીયાને એક નવી ઓળખ મળશે: આપણને ભલે દેશ માટે મરવાની તક નથી મળી, પરંતુ દેશ માટે કાંઈક કરવાની તક ચોક્કસ મળી છે
-ગૃહમંત્રી પ્રદીપસિંહ જાડેજાદેવભૂમિ દ્વારકા: દેવભૂમિ દ્વારકા જિલ્લામાં જામનગર – ખંભાળીયા હાઈવે ખાતે ખંભાળીયા શહેરના પ્રવેશ પથ પર ગૃહમંત્રી પ્રદીપસિંહ જાડેજાના હસ્તે ખંભાળીયા નગરપાલીકા દ્વારા રૂપિયા 17.20 લાખના ખર્ચે તૈયાર કરાયેલા મહારાણા પ્રતાપની પંચધાતુની પ્રતિમાનું અનાવરણ કરવામાં આવ્યું હતું.

ખંભાળીયા નગરપાલીકા ટાઉનહોલ ખાતે મંત્રીના અધ્યક્ષસ્થાને સંસદસભ્ય પૂનમબેન માડમની ઉપસ્થિતિમાં મહારાણા પ્રતિમા અનાવરણનો કાર્યક્રમ પણ યોજાયો હતો. આ પ્રસંગે ગૃહમંત્રીએ પ્રાસંગિક ઉદ્દબોધન કરતા જણાવ્યું હતું કે, મહારાણા પ્રતાપનો ઈતિહાસ આજે પણ યાદ કરાય છે, ગૌરવ થાય તેવા આ કાર્યક્રમમાં મહારાણા પ્રતાપની પ્રતિમાનું અનાવરણ કરી હું ધન્યતા અનુભવુ છું. મહારાણા પ્રતાપએ સ્વાભિમાની વ્યક્તિત્વ હતું અને આવા વ્યક્તિત્વની પૂજા કરવી એ આપણું કર્તવ્ય છે.

વધુમાં તેમણે ઈતિહાસની ચિંતા ન કરે, ગૌરવ ન લે ત્યાનું ભૂગોળ હંમેશા બદલાઈ જાય છે, ભારત હંમેશા સંસ્કૃતિ અને રાષ્ટ્રવાદના અક્ષાંશ પર ચાલતો દેશ છે. પ્રજાનું રક્ષણ કરવું એ શાસકનું કર્તવ્ય છે, રાજ્ય સરકાર હંમેશા પ્રજાના પ્રશ્નોના નિરાકરણની દિશામાં કાર્યશીલ છે, જેના પરિણામે આજે ગુજરાતમાં શાંતિ, સુરક્ષા અને સલામતી જળવાઈ રહી છે તેમ પણ જણાવ્યું હતું.

ગૃહમંત્રીએ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની સરકારે કાશ્મીરમાં 370ની કલમ નાબૂદી, આતંકવાદ અને મહિલા સુરક્ષા માટેના કાયદા અમલી બનાવી નાગરીકો માટે શાંતિ, સુરક્ષા અને સલામતી જળવાઈ રહે તે દિશામાં કાર્યો કાર્યા છે તેમ પણ ઉમેર્યુ હતું.

આ તકે સંસદસભ્ય પૂનમબેન માડમે ભાવી પેઢીએ મહારાણા પ્રતાપની પ્રતિમા જોઈને આપણા ગૌરવવંતા ઈતિહાસથી પરિચિત બનશે તેમ જણાવ્યું હતું.

આ પ્રતિમાંના માધ્યમથી ભાવી પેઢીને સાહસ અને આદર્શવાદી બનવાની પ્રેરણા મળશે તેમ ઉમેરી ખંભાળીયા નગરજનોને મહારાણા પ્રતાપની પ્રતિમા અનાવરણ પ્રસંગે શુભેચ્છા પાઠવી હતી.

આ તકે વિવિધ સમાજના આગેવાનો દ્વારા ગૃહમંત્રી પ્રદીપસિંહ જાડેજા અને સંસદસભ્ય પૂનમબેન માડમનું સાલ અને મોમેન્ટો અર્પણ કરી સન્માન કરવામાં આવ્યું હતું.

આ પ્રસંગે ગ્રામ ગૃહ નિર્માણ બોર્ડના ચેરમેન મુળુભાઈ બેરા અને ખંભાળીયા નગરપાલીકા પ્રમુખ ભાવનાબેન પરમારએ સ્વાગત પ્રવચન કર્યું હતું. જિલ્લા ભાજપ પ્રમુખ ખીમભાઈ જોગલે આભારવીધી કરી હતી.

આ કાર્યક્રમમાં જિલ્લા પંચાયત પ્રમુખ રાજીબેન મોરી, જિલ્લા કલેક્ટર એમ.એ.પંડ્યા, જિલ્લા વિકાસ અધિકારી ડી.જે.જાડેજા, નિવાસી અધિક જિલ્લા કલેક્ટર કે.એમ.જાની, જિલ્લા પંચાયત પૂર્વ પ્રમુખ પી.એસ.જાડેજા, શહેર ભાજપ પ્રમુખ અનિલભાઈ તંન્ના, જિલ્લા ભાજપ મહામંત્રી સર્વ શૈલેષભાઈ કણઝારીયા, મયુરભાઈ ગઢવી અને યુવરાજસિંહ વાઢેર તથા જિલ્લા પંચાયતની વિવિધ સમિતિઓના ચેરમેનશ્રીઓ, તાલુકા પંચાયત પ્રમુખ રામદેવભાઈ કરમુર સહિત અગ્રણી સર્વશ્રી હરીભાઈ નકુમ, વી.ડી.મોરી, સી.આર.જાડેજા (વાડીનાર) વિવિધ સમાજોના આગેવાનો ઉપસ્થિત રહ્યાં હતા.