જામનગરમાં આવતીકાલે હોલિકા દહનની તડામાર તૈયારીઓ: શહેરમાં ત્રણસોથી વધુ સ્થાને હોળી પ્રગટાવાશે
- ધુળેટી ના રંગોત્સવ પર્વ ને મનાવવા માટે પણ યુવાઓમાં થનગનાટ: ખાનગી પાર્ટી પ્લોટ- હોટલ ના સ્થળો પર મોટા આયોજનો
દેશ દેવી ન્યૂઝ જામનગર તા ૨૩ માર્ચ ૨૪, છોટી કાશીના ઉપનામ થી પ્રચલિત એવી ધર્મ નગરી જામનગર શહેરમાં અનેક ધાર્મિક તહેવારો ભારે ઉત્સાહપૂર્વક ઉજવાય છે, તે અનુસાર આવતીકાલે હોળી મહોત્સવ તેમજ ધુળેટીના પર્વની પણ લોકો ધામધૂમ પૂર્વક ઉજવણી કરી રહ્યા છે, અને તેની તડામાર તૈયારીઓ ચાલી રહી છે.જામનગર શહેરના જુદા જુદા વિસ્તારમાં અંદાજે ૩૦૦ થી વધુ જગ્યાએ હોળી પ્રગટાવવામાં આવે છે, જેની પણ અનેક સ્થળોએ તૈયારી થઈ છે. અને જુદા જુદા શેરી-ચોક મહોલ્લા વગેરેને ધજા પતાકાથી શણગારવામાં આવી રહ્યા છે. છાણા-લાકડા વગેરે ગોઠવીને નાની મોટી હોળી પ્રગટાવવામાં આવે છે.ખાસ કરીને શાક માર્કેટ વિસ્તારમાં સમસ્ત ભોઈ સમાજ દ્વારા ૨૫ ફૂટ ના વિશાળ કદનું ત્રણ ટન વજનનું હોલિકા નું પૂતળું બનાવીને ખૂબ જ મોટો હોળી મહોત્સવ મનાવાય છેઝ અને શહેર જિલ્લાના અનેક આગેવાનો ની હાજરીમાં હોલિકા દહન નો કાર્યક્રમ યોજાય છે. જેને નિહાળવા જામનગર શહેરના અનેક ઉત્સવ પ્રેમીઓ જોડાય છે. જે હોળીની આસપાસ અન્ય નાની મોટી ૨૫ થી વધુ હોળીઓ પ્રગટાવાય છે, અને સૌ લોકો સાથે મળીને હોલિકા મહોત્સવની ઉજવે છે.
ત્યારબાદ ધૂળેટીના પર્વની પણ વિશેષ રૂપે ઉજવણી થઈ રહી છે, અને જામનગર શહેર તથા આસપાસની કેટલીક હાઈવે હોટલ- ખાનગી પાર્ટી પ્લોટ વગેરેમાં પણ ધૂળેટીના રંગારંગ કાર્યક્રમ યોજવામાં આવી રહ્યા છે. અને તેના માટે યુવા ધન થનગની રહ્યું છે. જામનગર શહેરમાં હંગામી ધોરણે અથવા તો કાયમી હોય તેવી ૩૦૦ થી વધુ દુકાનો- સ્ટોલ મંડપ સામિયાણાં વગેરેમાં હોળીના કલર- પિચકારી વગેરે ના વેચાણ ચાલુ થઈ ગયા છે, ઉપરાંત હોળી માં પધરાવવા માટેના શ્રીફળ, પતાસા ના હાર, ધાણી, દાળિયા, ખજૂર વગેરે સામગ્રીના સ્ટોલ પણ અનેક સ્થળે ઊભા કરાયા છે, અને તેની ખરીદી માટે પણ નગરજનોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે.
ધુળેટીના તહેવાર દરમિયાન પોલીસ તંત્ર સતર્ક રહેશે
ધૂળેટીના તહેવાર દરમિયાન કોઈ અનિચ્છનીય ઘટના ન બને, તેમ જ કોઈ વ્યક્તિને તેની મરજી વિરુદ્ધ કલર ઉડાડીને પરેશાની કરવામાં ન આવે, તે બાબતે પોલીસ તંત્ર પણ સાબદુ બન્યું છે. અને જામનગર જિલ્લાના એસપી પ્રેમસુખ ડેલુ દ્વારા શહેર જિલ્લાના તમામ પોલીસ સ્ટાફને ધુળેટીના તહેવાર દરમિયાન સતર્ક બનાવી દેવાયો છે, અને તમામ મુખ્ય માર્ગો પર પેટ્રોલિંગ અને પોલીસના પોઇન્ટ ગોઠવી દેવાયા છે. કોઈ આવારા તત્વો ફુલ સ્પીડમાં બાઈક ચલાવીને રાહદારીઓ અથવા અન્ય વ્યક્તિને કલર ઉડાવીને પરેશાન ન કરે, તે માટેની સ્પેશિયલ પોલિસ ટીમને દોડતી કરાવાઈ છે.