રણજિતસાગર ડેમ પર પોલીસની ખોટી ઓળખ આપી યુગલની પજવણી કરનાર લખમણ સુવા અને હેમત વરુને 2 વર્ષની સજા ફટકારતી કોર્ટ

0
1511

રણજિતસાગર ડેમ પર પોલીસની ખોટી ઓળખ આપી મોબાઇલ પડાવી લીધા..

જામનગરના સંજય લખમણ સુવા તથા લાંબાના હેમત ધરણાંત વરૂ ને પોલીસની ઓળખ આપવી પડી ભારી..

જામનગરમાં યુગલની પજવણી કરનાર બે આરોપીને 2 વર્ષની સજા ભોગ બનનાર યુવતીને રૂ .50000 વળતર ચૂકવવા કોર્ટનો આદેશ

દેશ દેવી ન્યુઝ 31.જામનગરના રણજીતસાગર ડેમ પર સાડા છ વર્ષ પહેલા ફરવા ગયેલા એક યુગલને પોલીસની ખોટી ઓળખ આપી મોબાઈલ પડાવી લઇ પજવણી કરનાર બંને આરોપીને અદાલતે બે વર્ષની સજા ફટકારી છે ભોગ બનનાર યુવતીને રૂ .50000 વળતર ચૂકવવા અદાલતે આદેશ કર્યો છે .

જામનગરમાં રણજીત સાગર ડેમ પર ગત તા .11 / 05 / 2015 ના એક યુવતી મંગેતર સાથે ફરવા માટે ગઈ હતી સાંજે ચારેક વાગ્યે લીલા રંગની સ્વીફ્ટ મોટરમાં 25 થી 30 વર્ષની વયના બે અજાણ્યા શખસ ધસી આવ્યા હતા અને પોતાની ઓળખ પોલીસ તરીકેની આપી આ યુગલને અહીં શું કરો છો ? તેમ કહીબન્નેના મોબાઈલ પડાવી લીધા હતાં.

ત્યારપછી બન્નેને પોલીસ સ્ટેશન લઈ જવા પડશે તેમ કહી આ શખ્સોએ તેમના ફોટા પાડી યુવતી પાસે અણછાજતી માંગણી કરી હતી . પરંતુ યુવતીએ ઇનકાર કરતા પોલીસ મથકે લઈ જવાનું કહી બન્નેને મોટરમાં બેસાડાયા હતા આટલું જ નહીં પોલીસ સ્ટેશન લઈ જવાના બ્હાના હેઠળ આ શખ્સોએ ગેરવર્તન કરી બન્નેને રોડ પર ઉતારી દીધા હતા અને ફોન આવે ત્યારે પોલીસમથકે આવી જવાનું કહી બંને શખસો નાસી ગયા હતા .

બાદમાં આ શખસોએ પાડેલા ફોટા સોશિયલ મિડિયામાં જાહેર થયા હતા . જેની જાણ યુવતી તથા તેના મંગેતરને થતા તેઓએ પોલીસને જાણ કરી હતી . આથી પોલીસે અપહરણ ,જાતીય હુમલો , ગેરકાયદે અટકાયત, બિભત્સ માંગણીનો ગુનો નોંધી જામનગરના સંજય લખમણ સુવા તથા લાંબાના હેમત ધરણાંત વરૂ હોવાનું ખૂલતા બન્નેની પોલીસે ધરપકડ કરી મોટર તથા મોબાઈલ કબ્જે કર્યા હતા .

આ કેસ જામનગરની અદાલતમાં ચાલી જતાં સરકારી વકીલ લોપાબેન ભટ્ટ અને મૂળ ફરીયાદીના વકીલ વી . એચ . કનારાની રજૂઆતો ધ્યાને લઇ ન્યાયાધીશે બંને આરોપીઓને અપહરણના ગુનામાં બે વર્ષ , જાતીય હુમલાના ગુનામાં બે વર્ષ , ગેરકાયદે અટકાયતના ગુનામાં એક મહિનાની કેદ અને બનાવટી પોલીસ તરીકે ઓળખ અંગે એક વર્ષની કેદની સજા ફટકારી છે . ફરીયાદી યુવતીને રૂ .50000 વળતર પેટે પણ આપવા હુકમ કર્યો છે .