ખંભાળિયા સહિતના વિસ્તારોમાં ચોરી પ્રકરણના અડધો ડઝન ગુનેગારો ઝડપાયા

0
1472

ખંભાળિયા સહિતના વિસ્તારોમાં ચોરી પ્રકરણના અડધો ડઝન ગુનેગારો ઝડપાયા

દેશ દેવી ન્યુઝ જામનગર તા.ર૪ માર્ચ ૨૩ ખંભાળિયા: ખંભાળિયા તથા દ્વારકા સહિતના વિસ્તારોમાં થોડા સમય પૂર્વે પવનચક્કીના ટાવરમાંથી અર્થીંગ કોપર વાયર તેમજ ઓઇલ ચોરી સંદર્ભના જુદા જુદા ગુનાઓમાં સંડોવાયેલી ચીટર ગેંગને દેવભૂમિ દ્વારકા જિલ્લા એલસીબી પોલીસે પકડી પાડી છે.

દેવભૂમિ દ્વારકા જિલ્લા પોલીસ વડા નિતેશ પાંડેયની સૂચના મુજબ એલસીબી પોલીસ દ્વારા જિલ્લામાં નોંધાયેલા જુદા-જુદા ચોરી સહિતના ગુનાઓનો ભેદ ઉકેલવા માટે કરવામાં આવેલી કાર્યવાહીમાં LCBના PI કુષ્ણપાલસિંહ (કે.કે) ગોહિલની રાહબરી હેઠળ બનાવવામાં આવેલી જુદીજુદી ટીમ દ્વારા સઘન કામગીરી કરવામાં આવી હતી. દેવભૂમિ દ્વારકાના ખંભાળિયા તેમજ જામનગર જિલ્લામાં આવેલા પવનચક્કીના ટાવરોમાંથી અર્થિંગના કોપર વાયરની ચોરીના છેલ્લા એકાદ માસથી અનેક બનાવો નોંધાયા હતા.

કોપર વાયરની ચોરીના આ આતંક સામે એલ.સી.બી.ના પી.એસ.આઈ. ભાર્ગવ દેવમુરારી તથા સ્ટાફ દ્વારા કરવામાં આવેલી કામગીરી અંતર્ગત જુદા જુદા વિસ્તારોના સીસીટીવી ફૂટેજ, પોકેટ કોપ, ઈ- ગુજકોપ તથા અન્ય સોફ્ટવેર અને એપ્લિકેશન મારફતે ચોરી પ્રકરણમાં અગાઉ પકડાયેલા રીઢા ગુનેગારોની માહિતી એકત્ર કરી, આ અંગેના અંકોડા મેળવી કરવામાં આવેલી કામગીરી અંતર્ગત પી.એસ.આઈ. બી.એમ. દેવમુરારી તથા સ્ટાફના પેટ્રોલિંગ દરમિયાન એએસઆઈ મસરીભાઈ ભારવાડીયાને મળેલી ખાનગી બાતમીના આધારે ખંભાળિયા તથા વાડીનાર વિસ્તારમાંથી કુલ છ શખ્સોને દબોચી લેવામાં આવ્યા હતા.

જેમાં ખંભાળિયા તાલુકાના પીર લાખાસર ગામના મૂળ રહીશ અને હાલ વાડીનાર ધાર ખાતે રહેતા નવાજ જુમા દેથા (ઉ.વ. 27), આ જ ગામના રફીક ઉર્ફે રફલો અયુબ કાસમ સુંભણીયા (ઉ.વ. 35), વાડીનારના ઈકબાલ મુસા કાસમ સુંભણીયા (ઉ.વ. 28), જામનગર તાલુકાના સિક્કા ગામના હારૂન ઉર્ફે કારા જુનસ જેડા (ઉ.વ. 18), હાલ વાડીનાર ગામે રહેતા કાંતિલાલ ઉર્ફે રાજુ પરબત માંગરીયા (મૂળ રહે. મોટી મારડ, તા. ધોરાજી, ઉ.વ. 32) અને પીર લાખાસરનો આમીન સુલેમાન ખફી (ઉ.વ. 43) નામના છ શખ્સોને દબોચી લેવામાં આવ્યા હતા. આ પ્રકરણમાં અન્ય એક આરોપી એવા વાડીનાર ગામના મહેબૂબ ઉર્ફે ડાડીયોનું નામ પણ ખુલવા પામ્યું છે. જેથી પોલીસે તેની શોધખોળ હાથ ધરી છે.

આ પ્રકરણમાં પોલીસે રૂપિયા 1,23,196 ની કિંમતનો 274 કિલોગ્રામ કોપર વાયર, રૂ. 8,000 ની કિંમતના ચાર નંગ મોબાઈલ ફોન, રૂ. 12,810 રોકડા, રૂ. 1750 ની કિંમતનું ઓઇલ જેવું પ્રવાહી, ઈલેક્ટ્રીક વજન કાંટો, રૂપિયા 20,000 નું એક મોટરસાયકલ સહિતનો કુલ રૂપિયા 1,68,856 ની કિંમતનો જુદો જુદો મુદ્દામાલ પણ કબજે લીધો છે.

હાલ પોલીસને ખંભાળિયા, દ્વારકા તથા લાલપુરના બે ગુના મળી કુલ આ વર્ષમાં નોંધાયેલા કુલ ચાર ગુનાઓનો ભેદ ઉકેલવામાં સફળતા સાંપડી છે.

પોલીસની પૂછતાછમાં ઝડપાયેલા આરોપી નવાઝ જુમા દેથા સામે વર્ષ 2013 થી વર્ષ 2022 દરમિયાન ખંભાળિયા તથા લાલપુર પોલીસ મથકમાં ચોરી સહિતના મળી કુલ 16 ગુનાઓ તેમજ આરોપી આમીન સુલેમાન ખફી સામે પણ ખંભાળિયા પોલીસ મથકમાં વર્ષ 2013 તથા 15માં ચોરી સહીત કુલ ત્રણ ગુનાઓ નોંધાયા છે.

અગાઉ ઝડપાયેલો આરોપી નવાઝ જુમા મિલકત સંબંધી તથા અન્ય ગુનાઓમાં રીઢો આરોપી હોય, તે અહીંની ભૌગોલિક પરિસ્થિતિથી વાકેફ હોવાથી ખાસ કરીને પવનચક્કી વિસ્તારમાં રેકી કરીને રાત્રે 8 થી 10 વાગ્યા દરમિયાન વોચમેનની સીફ્ટ બદલવાના સમયે પરિસ્થિતિનો લાભ લઈ અને પોતાની ટોળકીના માણસો સાથે મળી અને ચોરીના બનાવને અંજામ આપતો હતો ઝડપાયેલા આ શખ્સોનો કબજો હાલ ખંભાળિયા પોલીસને સોંપી અને રિમાન્ડ સહિતની કામગીરી કરવામાં આવી હતી.

આ સમગ્ર કાર્યવાહી એલસીબીના પી.આઈ. કે.કે ગોહિલ, પી.એસ.આઈ. બી.એમ. દેવમુરારી, એ.એસ.આઈ. મશરીભાઈ ભારવાડીયા, વિપુલભાઈ ડાંગર, લાખાભાઈ પિંડારિયા, ગોવિંદભાઈ કરમુર, અરજણભાઈ આંબલીયા, મેહુલભાઈ રાઠોડ, સચિનભાઈ નકુમ ભાણવડના ભરતભાઈ ચાવડા, સુનિલભાઈ કાંબરીયા, ધર્મેન્દ્રસિંહ ચુડાસમા સહિતના સ્ટાફ દ્વારા કરવામાં આવી હતી.