જામનગરના ઠેબામાં ગેરકાયદે બારણ ભઠ્ઠી પર GPCB ની કાર્યવાહી

0
4829

ઠેબામાં ગેરકાયદે બારણ ભઠ્ઠી પર જી.પી.સી.બી.ની કાર્યવાહી

દેશ દેવી ન્યુઝ જામનગર તા ૭, સપ્ટેમ્બર ૨૪ જામનગર તાલુકાના ઠેબા ગામમાં ગેરકાયદે ચાલતી બારણ ભઠ્ઠી પર ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડ દ્વારા આકસ્મિક ચકાસણી દરમિયાન કાર્યવાહી કરવામાં આવી છે.

સોનમ સિમેન્ટની બાજુમાં આવેલી સરકારી ખરાબાની જમીનમાં ટોયટા બાબુભાઈ વેજાભાઈ નામના વ્યક્તિ દ્વારા બારણ ભઠ્ઠી ચલાવવામાં આવી રહી હતી. જી.પી.સી.બી.ની ટીમે સ્થળ પર પહોંચી તપાસ કરતાં, બારણ ભઠ્ઠીમાંથી નીકળતા બારણને પુનઃ બારણ બનાવવાની પ્રવૃત્તિ ચાલુ હોવાનું જોવા મળ્યું હતું. આથી, જી.પી.સી.બી.એ તાત્કાલિક અસરથી આ પ્રવૃત્તિ બંધ કરવાની સૂચના આપી હતી.

સ્થળ પરથી આશરે પાંચ મેટ્રિક ટન જેટલો બારણનો જથ્થો મળી આવ્યો હતો. જી.પી.સી.બી.એ આ બારણને રજીસ્ટર્ડ રિસાયકલર મારફતે જ નિકાલ કરવાની સૂચના આપી છે. આ અંગે ઠેબા ગામના તલાટી કમ મંત્રીને પણ જાણ કરવામાં આવી છે.

આ ઘટનાએ ગામમાં પ્રદૂષણની સમસ્યાને વધુ ઉગ્ર બનાવી છે. સ્થાનિક લોકોએ આ પ્રકારની ગેરકાયદે પ્રવૃત્તિઓ બંધ કરવા માટે તંત્રને રજૂઆત કરી છે. જી.પી.સી.બી. દ્વારા કરવામાં આવેલી આ કાર્યવાહીએ ગામના લોકોમાં રાહતની લાગણી ફેલાવી છે.