જામનગર ધ્રોળ નજીક ગોજારા અકસ્માતમાં ભરવાડ પિતા પુત્રના મૃત્યુથી અરેરાટી

0
13127

ધ્રોળ નજીક સણોસરા ગામ પાસે એસ.ટી. બસ અને કાર વચ્ચેના ગોઝારા અકસ્માતમાં ભરવાડ પિતા પુત્ર ના મૃત્યુ થી ભારે અરેરાટી

  • પડધરી ના વતની ભરવાડ બુઝુર્ગના અંતરિયાળ મૃત્યુ બાદ ઇજાગ્રસ્ત બનેલા પુત્રએ રાજકોટની હોસ્પિટલમાં દમ તોડ્યો; અન્ય એક ને ઇજા

દેશ દેવી ન્યુઝ જામનગર તા ૨૭ ઓગસ્ટ ૨૪ ,જામનગર- રાજકોટ ધોરી માર્ગ પર ધ્રોળ નજીક સણોસરા ગામના પાટીયા પાસે સાતમ ના તહેવારના મોડી સાંજે એસ.ટી. બસ અને કાર વચ્ચે અકસ્માત સર્જાયો હતો, જેમાં કારમાં બેઠેલા પડધરી ના એક ભરવાડ બુઝુર્ગનું અંતરિયાળ મૃત્યુ નીપજ્યું હતું, જ્યારે તેના ઇજાગ્રસ્ત બનેલા પુત્ર એ રાજકોટની હોસ્પિટલમાં સારવાર દરમિયાન દમ તોડ્યો છે, જેથી આ અકસ્માતના પિતા પુત્ર બંનેએ જીવ ખોયા છે. આ ઉપરાંત અન્ય એક યુવાન ઘાયલ થયો છે.

આ ગોઝારા અકસ્માતના બનાવની વિગત એવી છે કે જામનગર-રાજકોટ ધોરી માર્ગ પર સણોસરા ગામના પાટિયા પાસેથી સાતમ ના તહેવારના મોડી સાંજે પસાર થઈ રહેલી જીજે -૧૮ ઝેડ -૯૨૭૪ નંબરની એસટી બસ સાથે પાછળથી જીજે -૩ એલ ૩૭૩૮ નંબરની કાર ધડાકાભેર અથડાઈ પડી હતી, અને ગોઝારો અકસ્માત સર્જાયો હતો.

જે અકસ્માતમાં કારનો બુકડો બોલી ગયો હતો, અને કારની અંદર બેઠેલા પડધરી તાલુકા ના અડબાલકા ગામના વતની સોંડાભાઈ બીજલભાઇ લાંબરીયા ભરવાડ (૬૦) ને માથાના ભાગે ગંભીર ઇજા થવાથી ઘટના સ્થળે જ કરુણ મૃત્યુ નીપજયું હતું.

આ ઉપરાંત કારની અંદર બેઠેલા તેમના પુત્ર જગદીશભાઈ સોંડાભાઈ ભરવાડ તેમજ ગોવિંદભાઈ ભરવાડ નામના અન્ય બે વ્યક્તિઓને ઈજા થવાથી સારવાર માટે રાજકોટ ની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જયાં સારવાર દરમિયાન પુત્ર જગદીશભાઈ ભરવાડે પણ દમ તોડ્યો હતો, જેથી આ અકસ્માતમાં પિતા-પુત્ર બંનેના મૃત્યુ નીપજ્યા હોવાથી ભરવાડ પરિવારમાં ભારે કરુણાંતિકા છવાઈ છે.

જન્માષ્ટમીના તહેવારના દિવસે બુઝુર્ગ સોંડાભાઈ ના મૃતદેહ ની પરિવારજનો દ્વારા ભારે હૈયે અંતિમ વિધિ કરાઈ હતી, અને મોડેથી પરિવારજનો ઘેર પરત ફર્યા હતા, દરમિયાન રાજકોટની હોસ્પિટલમાં સારવાર લઈ રહેલા પુત્ર જગદીશે પણ મોડી રાત્રે દમ તોડી દીધો હતો, અને તેના મૃતદેહ અને નોમ ના તહેવારના દિવસે ગેર લાવવામાં આવ્યો હતો અને તેની અંતિમ વિધિ કરાવી હતી આ વિલાય સમગ્ર ભરવાડ પરિવારમાં ભારે શોકમગ્ન વાતાવરણ બની ગયું હતું.

આ અકસ્માતના બનાવની જાણ થતાં ધ્રોળના પી.એસ.આઇ. પી.જી. પનારા પોતાના સ્ટાફ સાથે બનાવના સ્થળે તેમજ હોસ્પિટલે દોડી ગયા હતા, અને એક પછી એક બન્ને મૃતદેહોનો કબજો સંભાળી સમગ્ર અકસ્માત મામલે ઊંડાણપૂર્વકની તપાસ હાથ ધરી છે.