જામનગરના વિજરખી અને મિયાત્રા ગામમાં બે ખાનગી કંપનીની દાદાગીરી: ખેડૂતો ગૌચર જમીન બચાવવા માટે ઉપવાસ આંદોલન ઉપર ઉતર્યા
ગ્રામ પંચાયત દ્વારા કલેક્ટર સહિતનાઓને રજૂઆત કરવામાં આવી હોવા છતાં સમસ્યાનો કોઇ ઉકેલ આવ્યો નથી.
દેશ દેવી ન્યુઝ જામનગર 09. જામનગરના વિજરખી તથા મિયાત્રા ગામના ખેડૂતો દ્વારા ગૌચર જમીન બચાવવા માટે ઉપવાસ આંદોલન ઉપર ઉતર્યા છે. ગામમાં બે કંપનીની લીઝ ચાલુ હોય, તેના ભારે વાહનો ભરીને બળજબરીપૂર્વક ગૌચરની જમીનમાં રસ્તો બનાવી ચાલી રહ્યા છે. ત્યારે આ અંગે પગલાં લેવાની માગ સાથે 150થી વધુ ખેડૂતો અને ગ્રામજનો દ્વારા ઉપવાસ આંદોલન કરવામાં આવી રહ્યું છે.
મિયાત્રા ગામમાં બે ખાનગી કંપનીઓની લિઝ આવેલી છે. જેમાં એક પેઢીના માલિક દ્વારા પોતાના વાહનો બળજબરીપૂર્વક ઓવરલોડથી ચાલતા હોય અને ગૌચરની જમીનમાં રસ્તો બનાવવામાં આવતો હોય આ અંગે વિજરખી ગ્રામ પંચાયત દ્વારા કલેક્ટર સહિતના ઉચ્ચ અધિકારીઓને રજૂઆત કરવામાં આવી હોવા છતાં સમસ્યાનો કોઇ ઉકેલ આવ્યો ન હતો. જેથી વિજરખી તથા મિયાત્રા ગામના ખેડૂતો ઉપવાસ આંદોલન ઉપર ઉતર્યા છે.
મિયાત્રા ગામમાં લિઝધારકોના ભારે વાહનો પસાર થતાં હોય, મુંગા પશુઓ તથા આજુબાજુમાં રહેતાં ખેતધારકો માટે જોખમ સર્જાયું છે. જે બંધ કરાવવા ગ્રામજનો માગણી કરી રહ્યાં છે. ગૌચરની જમીન બચાવવાની માગણી સાથે 150 જેટલા આજુબાજુના ખેડૂતો ઉપવાસ આંદોલન ઉપર ઉતર્યા છે અને ગૌચરની જમીનમાંથી રસ્તો બનાવીને ચાલતાં ભારે વાહનો બંધ કરાવવાની માગણી કરી રહ્યાં છે.
વિજરખી ગામના સરપંચ ભીખા સોનારા, હાજાભાઇ, બહાદુરસિંહ ઝાલા સહિતના ગામના આગેવાનો ઉપરાંત ખેડૂતો ગૌચર બચાવો તથા ગાયો અને પર્યાવરણના રક્ષણ માટે લડત ચલાવી રહ્યાં છે.