જામનગરના શાક માર્કેટના ફ્રુટના વેપારી ઉપર હુમલો કરી રૂા.25 હજાર અને મોબાઇલની લૂંટ
અવેહ હનિફ શેખ અને સાઉ હનિફ શેખ નામના બે શખ્સો સામે ફરિયાદ દાખલ.દેશ દેવી ન્યુઝ જામનગર 21. જામનગર શહેરમાં હિમતનગર શેરી નં.2 માં રહેતા રાજપાલ ચંદીરામ બાલચંદાણી (ઉ.વ.59) નામના પ્રૌઢ શાકમાર્કેટ આશાપુરા મંદિર સામે ફ્રુટની દુકાન ચલાવે છે અને તેમની પાસેથી શાકમાર્કેટ વિસ્તારમાં રહેતાં અવેહ હનિફ શેખ અને સાઉ હનિફ શેખ નામના બે શખ્સો દુકાનદાર પાસેથી અવાર-નવાર રૂપિયાની માંગણી કરતાં હતાં. દરમિયાન બુધવારે વહેલીસવારના સમયે પણ ફરીથી આ બન્ને શખ્સોએ પ્રૌઢ વેપારી પાસેથી રૂપિયાની માંગણી કરતાં રૂપિયા આપવાની ના પાડતા રાજપાલ બાલચંદાણી નામના વેપારીને અપશબ્દો બોલી લોખંડના પાઈપ વડે હુમલો કર્યો હતો તેમજ વચ્ચે પડેલા વેપારીના ભાઈને પણ માર મારી ઈજા પહોંચાડી હતી. હુમલો કર્યા બાદ બન્ને શખ્સોએ દુકાનના કાઉન્ટરમાંથી રૂપિયા 10 હજારથી રોકડ રકમ અને 15 હજારની કિંમતનો મોબાઇલ મળી કુલ રૂા.25000 ની માલમતાની લૂંટ ચલાવી અને બન્ને વેપારી ભાઈઓને મારી નાખવાની ધમકી આપી હતી.જામનગર શહેરમાં વેપારીઓ પાસેથી આ રીતે રૂપિયાની માંગણી કરવાની અનેક ઘટનાઓ બનતી હોય છે ત્યારે વેપારીએ રૂપિયા આપવાની ના પાડતા બે શખ્સોએ હુમલો કરી લૂંટ ચલાવ્યાના બનાવની જાણ થતા પીએસઆઈ નિશાંત.વી. હરિયાણી તથા સ્ટાફે ઘવાયેલા અને લૂંટનો ભોગ બનેલા વેપારી રાજપાલના નિવેદનના આધારે હનિફ શેખ અને સાઉ હનિફ શેખ નામના બે શખ્સો સામે હુમલો કરી લૂંટનો ગુનો નોંધી વધુ તપાસ સીટી – એ ડિવિઝનના પોલીસ ઇન્સ. મહાવીરસિંહ જલુના માગદર્શન હેઠળ દરબારગઢ ચોકીના PSI હરિયાણી ચલાવી રહ્યા છે.