જામનગરના કોન્ટ્રાક્ટર સાથે રૂા.47.50 લાખની છેતરપિંડી..

0
1242

જામનગરના કોન્ટ્રાક્ટર સાથે રૂા.47.50 લાખની છેતરપિંડી..

બાંધકામ માટે ઓટોમેટિક મશીન માટે માતબર રકમ મેળવીને બારોબાર ચાંઉ કરી વિશ્વાસઘાત

બેંગ્લોરની કંપનીના ડાયરેકટર સામે જામનગરમાં ગુનો નોંધાયો, પોલીસ દ્વારા તપાસનો ધમધમાટ..

સીટી એ પોલીસે મેર્સસ સિકોન ઇન્ફ્રાટેક પ્રા.લી.ના ડાયરેકટર સીબુ પોલ સામે ગુનો નોંધ્યો છે..

દેશ દેવી ન્યુઝ જામનગર ૦૩. જામનગરમાં સુમેર કલબ રોડ પર રહેતા કોન્ટ્રાકટના વ્યવસાય સાથે સંકળાયેલા પ્રૌઢએ બેંગ્લોરની કંપની મારફતે બાંધકામ માટે વપરાતુ ઓટોમેટીક મશીન મંગાવ્યા બાદ તેના ડીરેકટરએ એડવાન્સ પેટે સમયાંતરે રૂ.47.50 લાખ મેળવી લઇ મશીન અથવા રકમ પરત ન કરી છેતરપીંડી આચર્યાની ફરીયાદ નોંધાઇ છે.પોલીસે બેંગ્લોરની કંપનીના એક ડીરેકટર સામે વિશ્વાસઘાત અને છેતરપીંડીનો ગુનો નોંધી તપાસનો ધમધમાટ હાથ ધર્યો છે.

શહેરના એસ.ટી.ડેપો સામે સુમેર કલબ રોડ પર શ્રીનિવાસ કોલોની ખાતે રહેતા અને કોન્ટ્રાકટના વ્યવસાય સાથે સકંળાયેલા વિનોદભાઇ ધરમશીભાઇ વાડોદરીયાએ સીટી એ પોલીસ મથકમાં બેંગ્લોરની મેસર્સ સિકોન ઇન્ફ્રાટેક પ્રા.લી. કંપનીના ડાયરેકટર સીબુ પોલ સામે રૂ.47.50 લાખની છેતરપીંડીની ફરીયાદ નોંધાવી છે.

કોન્ટ્રાકટર દ્વારા વર્ષ 2019માં બાંધકામ વ્યવસાય માટે ઓટોમેટીક મશીનની જરૂરીયાત ઉભી થતા બેંગ્લોરની મેસર્સ સિક્રોન ઇન્ફ્રાટેક પ્રા.લી. નામની કંપની મારફતે ઉકત મશીન મંગાવ્યુ હતુ જેમાં તેને એડવાન્સ પેટે ઉપરાંત્ ઇમ્પોર્ટ ડયુટી,કસ્ટમ ડયુટી સહિત મળીને રૂ. 47.50 લાખ જેટલી રકમ સમયાંતરે અલગ અલગ ચેકથી ચુકવાઇ હતી. જોકે,કંપનીના ડાયરેકટર દ્વારા મશીન ચેન્નઇ પોર્ટ ખાતે આવી ગયુ છે.લોકડાઉનના કારણે વાહન વ્યવહાર બંધ થતા મશીન ન પહોચ્યુ હોવાનુ કહેવાયુ હતુ.

જોકે,ત્યારબાદ વાહન વ્યવહાર પણ પુર્વવત થતા કંપનીનો સંપર્ક સાધવામાં આવતા પખવાડીયામાં જ મશીન મળી જશે એવો વાયદો કરવામાં આવ્યો હતો.

ત્યારબાદ પણ ઓટોમેટીક મશીન ન મળતા કોન્ટ્રાકટર દ્વારા અવાર નવાર સંપર્ક સાધવાનો પ્રયાસ કરવામાં આવતા ફોન પણ ઉપાડવામાં ન આવ્યાનુ ખુલ્યુ હતુ. આથી કોન્ટ્રાકટરને તેની સાથે છેતરપીંડી આચરાઇ હોવાનુ માલુમ પડયુ હતુ.આથી તેણે પોલીસનો સંપર્ક સાધ્યો હતો.

ત્યારબાદ આ પ્રકરણમાં કોન્ટ્રાકટર વિનોદભાઇની ફરીયાદ પરથી સીટી એ પોલીસે મેર્સસ સિકોન ઇન્ફ્રાટેક પ્રા.લી.ના ડાયરેકટર સીબુ પોલ સામે ગુનો નોંધ્યો છે.