જામનગર પંથકના ધ્રાંગડામાં મહિલાની 10 વિઘા જમીન પચાવી પાડવા અંગે ચાર સામે ફરિયાદ
- જમીનમાં ગેરકાયદે પ્રવેશ કરી લઈ બહેન અને તેના પુત્ર ઉપર હુમલો કરવા અંગે પિતરાઈ ભાઈ સહિત ચાર સામે પોલીસ ફરિયાદ
દેશ દેવી ન્યુઝ જામનગર : તા.૨૪ ડિસેમ્બર ૨૨ મૂળ જામનગર જિલ્લાના ધ્રાંગડા ગામના વતની અને હાલ મોરબીમાં રહીને ઘડિયાળની ફેક્ટરીમાં કામ કરતા મૂળજીભાઈ હમીરભાઈ સોલંકી નામના 26 વર્ષના યુવાને પોતાની માતા ભાનુબેન ની માલિકીની ધ્રાંગડા ગામમાં આવેલી જમીનમાં પ્રવેશ કરી લઈ પોતાને તેમજ પોતાના માતાને માથામાં પથ્થર અને લાકડાના ધોકા વડે હુમલો કરવા અંગે ભાનુબેન ના પિતરાઈ ભાઈ નાનજીભાઈ કાનજીભાઈ મકવાણા, તેમજ તેના પરિવારના હસમુખભાઈ નાનજીભાઈ મકવાણા, નાનુબેન નાનજીભાઈ મકવાણા, અને કંચનબેન કેશવજીભાઈ મકવાણા સામે ફરિયાદ નોંધાવી છે.
પોલીસ ફરિયાદ માં જાહેર કરાયા અનુસાર ભાનુબેન ની માલિકીની વારસાઈ 10 વીઘા ખેતીની જમીન કે જે જામનગર તાલુકાના ધ્રાંગડા ગામમાં આવેલી છે, જે જમીનમાં ચારે આરોપીઓએ પ્રવેશ કરી લીધો હતો, અને ગઈકાલે ભાનુબેન તેના પુત્ર મૂળજીભાઈ તથા નરેશ અને પુત્રીઓ પારુબેન અને રમીલાબેન ને લઈને પોતાની જમીન જોવા આવ્યા હતા.
જે દરમિયાન આરોપીઓએ ઉશ્કેરાઈ જઈ અનુબેન અને તેના પુત્ર પર હુમલો કરી દીધો હતો. જે સમગ્ર મામલો પંચકોશી એ. ડિવિઝન પોલીસ મથકમાં લઈ જવાયો છે, અને પોલીસે ચારેય આરોપીઓ સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.