ગુજરાતમાં દિવાળીમાં રાત્રે 8થી 10 વાગ્યા સુધી જ ફટાકડા ફોડી શકાશે : ગૃહ વિભાગ
દેશ દેવી ન્યુઝ નેટવર્ક જામનગર ર૯..રાજ્યમાં દિવાળીના તહેવાર પર ફટાકડા ફોડવાને લઈને સરકાર દ્વારા જાહેરનામું બહાર પાડવામાં આવું છે. ગુજરાતમાં દિવાળી સહિતના તહેવારોમાં રાત્રે 8થી 10 વાગ્યા સુધી જ ફટાકડા ફોડી શકાશે. સાથે જ નૂતન વર્ષ તથા ક્રિસમસ પર્વ નિમિત્તે રાત્રે 11.55થી રાત્રે 12.30 વાગ્યા દરમિયાન જ ફટાકડા ફોડી શકાશે.
ગૃહ વિભાગના જાહેરનામા મુજબ, માત્ર ગ્રીન તથા માન્યતા પ્રાપ્ત ફટાકડાં જ ઉત્પાદન કરી શકાશે અને લાયસન્સ ધારક દુકાનદારો જ આવા ફટાકડાનું વેચાણ કરી શકશે તથા સંગ્રહ કરી શકશે. જાહેરનામામાં કહેવામાં આવ્યું છે કે, ઓનલાઈન વેચાણ કરી શકાશે નહીં.
સુપ્રીમ કોર્ટે કરેલા આદેશ મુજબ અત્યંત વધારે અવાજ અને વધારે ઘન કચરો પેદા કરતાં ફટાકડા પર પ્રતિબંધ છે, જ્યારે જાહેર માર્ગ પર ફટાકડા ફોડી શકાશે નહીં. સુપ્રીમ કોર્ટ ગુરૂવારે સ્પષ્ટતા કરી હતી કે, ફટાકડાં ફોડવા બાબતે તેના દ્વારા મૂકવામાં આવેલો પ્રતિબંધ એ કોઇ ચોક્કસ સમુદાય વિરૂદ્ધ નથી પરંતુ આનંદની આડમાં નાગરિકોના અધિકારોનુ ઉલ્લંઘન કરવાની અમે મંજૂરી આપી શકીએ નહીં.
ઉલ્લેખનીય છે કે, જાહેરનામા અનુસાર ગ્રીન ફટાકડા પર પ્રતિબંધ નથી. તો પ્રશ્ન થયા કે ગ્રીન ફટાકડા શું છે? ગ્રીન ફટાકડા રાષ્ટ્રીય અભિયાન્ક્ષિક સંશોધન સંસ્થાએ શોધ્યા છે. દેખાવમાં આ ફટાકડા સામાન્ય ફટાકડા જેવાજ હોય છે. સાથેજ ગ્રીન ફટાકડાનો અવાજ પણ સામાન્ય ફટાકડા જેવો હોય છે.
ઉપરાંત આ ફટાકડા 50 ટકા પ્રદુષણ ઓછું ફેલાવે છે. જેમા સામાન્ય ફટાકડા કરતા અલગ મટિરિયલ વાપરવામાં આવે છે. આ ફટાકડાથી ધૂમડો પણ ઓછો થાય છે.