જામનગરમાં બનાવટી તમાકુંની ફેકટરી ઝડપાઇ: જીતુ હિરાણીની અટકાયત

0
4240

જામનગર શહેરમાંથી બનાવટી તમાકુ બનાવવાની ફેકટરી ઝડપી પાડતી એસ.ઓ.જી.

દેશ દેવી ન્યુઝ જામનગર તા.૧૮ ફેબ્રુઆરી ૨૩: જામનગર શહેરના રણજીતસાગર રોડ પર રહેતાં વેપારી શખ્સ દ્વારા બનાવટી બાગબાન તમાકુ બનાવતો હોવાની જાણના આધારે એસઓજીની ટીમે રેઈડ દરમિયાન બનાવટી તમાકુ બનાવવાની મિની ફેકટરી સાથે શખ્સને ઝડપી લઇ આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

મળતી વિગત મુજબ, જામનગર શહેરના રણજીતસાગર રોડ પર આવેલી મંગલદીપ સોસાયટી શેરી નં.2 માં રહેતો અને વેપાર કરતા જીતેશ ઉર્ફે જીતુ દેવરાજ હીરાણી નામનો શખ્સ તેના ઘરે ડુપ્લીકેટ તમાકુ બનાવતો હોવાની એસઓજીને મળેલ બાતમીના આધારે પોલીસવડા પ્રેમસુખ ડેલુની સૂચનાથી પીઆઈ બી.એન. ચૌધરી અને પીએસઆઈ જયદિપસિંહ ડી.પરમારના માર્ગદર્શન હેઠળ સ્ટાફે રેઈડ દરમિયાન જીતેશ ઉર્ફે જીતુ દેવરાજ હીરાણીના મકાનમાંથી ડુપ્લીકેટ તમાકુ બનાવવાની મિની ફેકટરી ઝડપી લીધી હતી. એસઓજીની ટીમે રેઈડ દરમિયાન મકાનમાંથી બાગબાન તમાકુ 138 ના 900 નંગ પાઉચ અને લૂઝ 1 કિલો તમાકુ તથા બાગબાન તમાકુ 138 લખેલા પાઉચ પેકીંગ કરવાના પ્રિન્ટીંગ રોલ અને પાઉચ પેકીંગ કરવા માટેનું હાથ બનાવટનું ઈલેકટ્રીક મશિન સહિત રૂા.1,09,080 નો સામાન મળી આવતા એસઓજીની ટીમે જીતેશની ધરપકડ કરી તેના વિરુધ્ધ ગુનો નોંધી સિટી એ ડીવીઝન પોલીસને સોંપી આપ્યો હતો. જેના આધારે હેકો પી.ટી. જાડેજા તથા સ્ટાફે વધુ તપાસ હાથ ધરી હતી.