જામનગરમાં ડુપ્લીકેટ તમાકુ બનાવવાના કારસ્તાનનો પર્દાફાશ
- તમાકુના ડબલા, પાઉચ તૈયાર કરવાના પ્રિન્ટિંગ રોલ સહિત એક લાખના મુદ્દામાલ સાથે એકને ઝડપ્યો, વધુ ત્રણ શખ્સોના નામ ખૂલ્યા
દેશ દેવી ન્યુઝ જામનગર: તા. o૯ જાન્યુઆરી ૨૩ જામનગરમાં મયુર ટાઉનશિપ વિસ્તારમાં વિભાગ નંબર-1 શેરી નં. 2માં મકાન નંબર 79/7 માં રહેતા ભાવિક રત્નાભાઇ ભંડેરી કે જે પોતાના મકાનમાં ડુપ્લીકેટ તમાકુ બનાવવાનું કારસ્તાન ચલાવી રહ્યો છે, તેવી ચોક્કસ બાતમી જામનગરની સિટી એ. ડિવિઝન પોલીસ સ્ટેશન ની ટીમને મળી હતી.જે બાતમીના આધારે પોલીસે અમદાવાદની ખાનગી પેઢીના એક પ્રતિનિધિને ખરાઈ કરાવવાના ભાગરૂપે જામનગર બોલાવી લીધા પછી ઉપરોક્ત રહેણાંક મકાન પર દરોડો પાડયો હતો. જે દરોડા દરમિયાન મકાનમાં ડુપ્લીકેટ તમાકુ પેક કરવાનું ધ્યાનમાં આવ્યું હતું.
પોલીસની ટીમે રહેણાંક મકાનમાંથી બાગબાન કંપનીના 138 નંબરના તમાકુના 60 ગ્રામ વજનવાળા 190 નંગ ડબલા કબજે કર્યા હતા, ઉપરાંત બાગબાન 138 તમાકુના 65 ગ્રામ તમાકુના 720 નંગ પાઉચ કબજે કર્યા હતા, જયારે બાગબાન 138 તમાકુના 65 ગ્રામ વજન વાળા પાઉચ તૈયાર કરવા માટે ના પ્રિન્ટિંગના ત્રણ નંગ મોટા રોલ પણ મળી આવ્યા હતા. સાથોસાથ મકાનમાંથી છૂટક તમાકુ ભરેલા પ્લાસ્ટિકના મોટા મોટા 10 નંગ પાઉચ મળી આવ્યા હતા.
પોલીસે રહેણાંક મકાનમાંથી ડુપ્લીકેટ તમાકુને લગતો કુલ 96,800 ની કિંમત નો જથ્થો કબજે કરી લીધો હતો, અને મકાન માલિક ભાવિક રત્નાભાઇ ભંડેરી સામે સિટી એ ડિવિઝન પોલીસ સ્ટેશન માં કોપીરાઇટ એકતની કલમ 51,63,64 અને 65 મુજબનો નોંધ્યો હતો, અને તેની અટકાયત કરી લેવામાં આવી છે.
પોલીસ દ્વારા તેની ઘનિષ્ઠ પૂછપરછ કરવામાં આવી હતી અને આ કૌભાંડમાં અન્ય કોણ કોણ સંડોવાયું છે, તે અંગેની પૂછપરછ કરતાં તેણે અમદાવાદના હેમલભાઈ ઠક્કર અને શબીરભાઈ તેમજ રાજકોટના સુશીલભાઈ ના નામો જણાવ્યા હતા. જે ત્રણેય શખ્સો આ કારસ્તાનમાં સંડોવાયેલા હોવાથી પોલીસે ત્રણેયને ફરારી જાહેર કરી તેઓ ને પકડવા માટે તપાસનો દોર અમદાવાદ અને રાજકોટ સુધી લંબાવ્યો છે. તપાસ કર્યા બાદ જ સાચી હકીકત સામે આવશે કેવી રીતે ડુપ્લીકેટ વસ્તુઓ બનાવે છે.