જામનગરમાં ખોડીયાર કોલોનીમાં એક શિક્ષકના મકાન માં થયેલી ચોરી અંગે પોલીસ ફરિયાદ નોંધાવાઈ
-
તસ્કરોને શોધી કાઢવા માટે પોલીસ દ્વારા ગુન્હા શોધક શ્વાન તેમજ સીસીટીવી કેમેરાની મદદ લેવાઇ
દેશ દેવી ન્યૂઝ જામનગર તા ૨૩ ફેબ્રુઆરી ૨૫, જામનગરમાં ખોડીયાર કોલોની નજીક દિવ્યમ પાર્ક વિસ્તારમાં રહેતા એક શિક્ષકના મકાનને કોઈ તસ્કરોએ નિશાન બનાવી લીધું હતું, અને અંદરથી ૧૦ તોલા સોનું અને ૧.૧૫ લાખની રોકડ રકમ ચોરી કરી ગયા હતા, જે અંગે પોલીસ ફરિયાદ નોંધાવાઈ છે. પોલીસે ગુન્હા શોધક શ્વાન તેમજ ફોરેન્સિક નિષ્ણાતની પણ મદદ લીધી છે.જામનગરમાં ખોડીયાર કોલોની નજીક દિવ્યમ પાર્ક સોસાયટીમાં રહેતા શિક્ષક પ્રફુલભાઈ રમણીકભાઈ ચૌહાણ કે જેઓ ગત ૧૬મી તારીખે પોતાના મકાનને તાળું મારીને ગઢડા ગામે પોતાના ભાણેજ ના લગ્ન પ્રસંગમાં હાજરી આપવા માટે ગયા હતા, ત્યાંથી તેઓ પરત ફર્યા, ત્યારે તેઓના મકાનમાં ચોરી થઈ ગઈ હોવાનું ધ્યાનમાં આવ્યું હતું.
જે ચોરીના બનાવ અંગે શિક્ષક પ્રફુલભાઈ ચોહાણ દ્વારા સીટી સી. ડિવિઝન પોલીસ મથકમાં પોતાના મકાનમાંથી ૪.૬ લાખ ની કિંમતના સોના ચાંદીના દાગીના તથા ૧ લાખ ૧૫ હજારની રોકડ રકમ સહિત કુલ ૫,૨૧,૫૦૦ ની માલમતા ચોરી થઈ હોવાની ફરિયાદ નોંધાવી છે. જે ફરિયાદના અનુસંધાને સીટી સી. ડિવિઝન પોલીસે ગુના શોધક શ્વાન તેમજ ફોરેન્સિક નિષ્ણાત ની મદદ લીધી છે. ઉપરાંત કેટલાક સીસીટીવી કેમેરાઓ પણ ચકાસયા છે.