કાલાવડ પંથકમાં ફુલ જેવી નવજાત બાળકી મળી આવતા ચકચાર..

0
970

કાલાવડ પંથકમાં ફુલ જેવી નવજાત બાળકી મળી આવતા ચકચાર..ફીટકારની લાગણી..

ટોડા ગામની સીમમાંથી મળી આવેલ બાળકનો કાલાવડ ગ્રામ્ય પોલીસે કબજો સંભાળી તપાસ હાથ ધરી..

ત્યજી દેનાર અજાણ્યા પુરુષ સ્ત્રી સામે ફરિયાદ: ખાનગી તપાસનો ધમધમાટ

દેશ દેવી ન્યુઝ જામનગર 06. કાલાવડ તાલુકાના ટોડા ગામની સીમમાં બુધવારેે સાંજે એક બોરડીના ઝાડમાં નવજાત શીશુ જીવંત હાલતમાં મળી આવતા નાના એવા ગામમાં ચકચાર મચી જવા પામી હતી. આ મામલે પોલીસને જાણ કરવામાં આવી હતી આથી પોલીસ ટુકડી સ્થળ પર દોડી આવી હતી અને પ્રાથમિક પુછપરછ કરવામાં આવી હતી.

નવજાત શીશુનો કબ્જો લઇ સારવાર માટે હોસ્પીટલ મોકલી આપવા અને આ અંગે તપાસ હાથ ધરવામાં આવી હતી દરમ્યાનમાં ટોડા ગામમાં રહેતા કનકસિંહ ઉર્ફે ગટુભાઇ હરીસિંહ જાડેજા (ઉ.વ.36) દ્વારા કાલાવડ ગ્રામ્ય પોલીસમાં કોઇ અજાણ્યા સ્ત્રી-પુરૂષ સામે આઇપીસી 317 મુજબ ફરીયાદ દાખલ કરવામાં આવી હતી.

જેમાં જણાવ્યુ હતું કે ટોડાની સીમમાં અજાણ્યા આરોપીએ પોતાના બાળકનો જન્મ છુપાવવાના ઇરાદે નવજાત શીશુ (બાળકી) આશરે એકથી ચાર દિવસનું ત્યજી દેવા અહીં બોરડીના ઝાડમાં જીવત હાલતમાં છોડી ગયા હતા અને અપરાધ કર્યો હતો.

આ ફરીયાદના આધારે કાલાવડ ગ્રામ્યના પીએસઆઇ એચ.વી. પટેલ તપાસ ચલાવી રહયા છે આ ઘટનાને પગલે સીમ વિસ્તારમાં ત્યજી દેવાયેલ નવજાત શીશુ મળી આવતા અરેરાટી સાથે ચકચાર મચી જવા પામી હતી, આવી ફુલ જેવી બાળકીને ત્યજી દેનાર સામે ફીટકારની લાગણી પ્રસરી રહી છે.