દ્વારકામાં લાંચ લેતા ઝડપાયેલા નાયબ કલેકટર નિહાર ભેટારીયાને સંપૂર્ણ ફરજમુકત કરાશે
નિમણૂકને 5 વર્ષ પૂર્ણ થતા ન હોય સરકારના કાયદાકીય નિયમ અનુસારની નીતિ મુજબ સંપૂર્ણ ફરજ મુકત કરાશે
દેશ દેવી ન્યુઝ નેટવર્ક જામનગર ૧૫. દ્વારકા દેવભૂમિ દ્વારકા જિલ્લાના દ્વારકા ખાતે છેલ્લા આશરે બે વર્ષથી પ્રાંત અધિકારી તરીકે ફરજ બજાવતા વર્ગ-1ના અધિકારી એન.ડી. ભેટારીયા (નિહાર દુધાભાઈ ભેટારીયા) પાસે એક આસામી તથા તેમના બે મિત્રોને જરૂરિયાત હોવાથી પાક રક્ષણ માટે હથિયાર રાખવા અંગેનો પરવાનો મેળવવા માટેની નિયમ મુજબ દરખાસ્ત થોડા સમય પૂર્વે કરવામાં આવી હતી.
દ્વારકાની પ્રાંત કચેરીમાં કરવામાં આવેલી આ દરખાસ્ત મંજુર કરવાની સત્તા ધરાવતા પ્રાંત અધિકારી એન.ડી. ભેટારીયાએ ઉપરોક્ત અરજદારોને વ્યક્તિ દીઠ રૂપિયા એક લાખ મળી ત્રણ પરવાના માટે કુલ રૂપિયા ત્રણ લાખની રકમની માગણી કરી હતી. આથી અરજદાર દ્વારા જાગૃતિ કેળવી અને એ.સી.બી. કચેરીનો સંપર્ક સાધવામાં આવ્યો હતો. જેના અનુસંધાને ગઈકાલે સવારે ગાંધીનગરથી ખાસ આવેલા એ.સી.બી. અધિકારી તથા તેમની ટીમે દ્વારકાની પ્રાંત કચેરી ખાતે લાંચનું છટકું ગોઠવ્યું હતું. જેમાં લાંચની રકમ રૂપિયા ત્રણ લાખ સ્વીકારતા પ્રાંત અધિકારી ભેટારીયા રંગે હાથે ઝડપાઇ ગયા હતા.
આ કાર્યવાહી બાદ ઉપરોક્ત અધિકારીને એ.સી.બી. દ્વારા જિલ્લાના મુખ્ય મથક ખંભાળિયા સ્ધિત એ.સી.બી. કચેરી ખાતે લાવવામાં આવ્યા હતા. જયાં તેમની પૂછપરછ સહિતની ધોરણસરની કાર્યવાહી કરવામાં આવી હતી.
આ ટ્રેપ બાદ ઝડપાયેલા અધિકારી ભેટારીયાના દ્વારકા સ્થિત નિવાસસ્થાને એ.સી.બી.ના અધિકારીઓ દ્વારા ચેકિંગ કાર્યવાહી પણ કરવામાં આવી હતી. આજરોજ શુક્રવારે કોરોના રિપોર્ટ બાદ તેમને અહીંના મેજિસ્ટ્રેટ સમક્ષ રજૂ કરી અને રિમાન્ડની માંગણી સહિતની કાર્યવાહી કરવામાં આવનાર છે.