જામનગર નજીકના આરબલુસમાં દરબાર યુવાનની હત્યાને અકસ્માતમાં ખપાવી દીધાની પરીવારની રાવ
- તટસ્થ તપાસની માંગ સાથે જિલ્લા એસપીને આવેદન પાઠવ્યું
- યુવાનનો મરણોતર VIDEO આવ્યો સામે: ભારે રોષ
દેશ દેવી ન્યુઝ જામનગર તા. ૧૪ એપ્રિલ ૨૩ જામનગર લાલ૫ુર તાલુકાના આરબલુસ ગામના વનરાજસિંહ જોરૃભા જાડેજાને ગત તા.૩ એપ્રિલ ની રાત્રે દસેક વાગ્યે તેમના ભત્રીજા દિવ્યરાજસિંહ ઉર્ફે લાલાનો કોલ આવ્યો હતો. જેમાં તેણે જણાવ્યું હતું કે, ઈશ્વરીયા ગામનો હાર્દિક ભાનુપરી નામનો શખ્સ તેને જવા દેતો નથી તેથી કાકાએ હાર્દિકને ફોન આપવાનું કહેતા સામા છેડેથી ગાળાગાળી કરાઈ હતી. તેથી કંઈક બન્યું હોવાની આશંકાથી કાકા વનરાજસિંહ અને મનોહરસિંહ ત્યાંથી તે સ્થળે જવા નીકળ્યા હતા.
માર્ગમાં હાર્દિકના પિતા ભાના મારાજ મળ્યા હતા. તેઓએ છોકરાઓએ ઝઘડો કર્યાે છે. તેમ કહી વનરાજસિંહના બાઈકમાં સાથે આવવાનું કહેતા ત્રણેય વ્યક્તિ ભાના મારાજની વાડીએ ગયા હતા જ્યાં દિવ્યરાજસિંહ લોહીલુહાણ અને બેશુદ્ધ હાલતમાં મળી આવ્યો હતો. આ યુવાન પાણીની કુંડીમાં પડી ગયો હોવાની ત્યાં હાજર હાર્દિક તેમજ ભાર્ગવ ભાનુપરી, નટુ મારાજ અને ઈશ્વરીયા ગામના સરપંચ જાવેદભાઈએ વિગત આપી હતી.
સારવાર માટે દિવ્યરાજ સિંહને લાલપુર અને ત્યાંથી જામનગર દવાખાને લઈ જવાયો હતો. તબીબોએ આ યુવાનને અમદાવાદ ખસેડવાની સલાહ આપતા તેને અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં લઈ જવાયો હતો. જ્યાં ભાનમાં આવેલા દિવ્યરાજસિંહે વીડિયો રેકોર્ડીંગમાં હાર્દિક, ભાર્ગવ અને નટુ મારાજે માર માર્યાનું જણાવ્યું હતું અને તે પછી આ યુવાનનું મૃત્યુ થયું હતું.
પોસ્ટમોર્ટમ સહિતની વિધિ પૂર્ણ થયા પછી કાકા વનરાજસિંહે પોતાના ભત્રીજાની હાર્દિક, ભાર્ગવ, નટુ મારાજ, સરપંચ જાવેદભાઈએ હત્યા કર્યાની ફરિયાદ માટે તજવીજ કરતા લાલપુર પોલીસે તપાસ કરવી પડશે તેમ કહી ફરિયાદ નહીં નોંધતા આખરે ગઇકાલે જામનગર જિલ્લા પોલીસ અધિક્ષક પ્રેમસુખ ડેલુ ના જોગનું આવેદનપત્ર મૃતકના પરિવારજનોએ સુપ્રત કર્યું છે. જેમાં પોલીસ ફરિયાદ લેતી નથી તેવી અને આરોપીઓના ફોનની કોલ ડીટેઈલ, લોકેશન ચકાસવાની માંગણી કરવા ઉપરાંત મૃત્યુ પહેલા આ યુવાનનો ઉતારેલો વીડિયો પણ રજૂ કરવાની તૈયારી દર્શાવવામાં આવી હતી.