જામનગરમાં હાપા રેલવે કોલોની વિસ્તારમાંથી નવજાતિ શીશુ જીવિત અવસ્થામાં મળી આવતાં ભારે ચકચાર
-
કોઈ દયા વિહીન જનેતાએ બાળકને જીવિત અવસ્થામાં તરછોડી દેતાં ૧૦૮ ની ટીમે હોસ્પિટલમાં પહોંચાડ્યું
દેશ દેવી ન્યૂઝ જામનગર તા ૨૮ જાન્યુઆરી ૨૫, જામનગર નજીક હાપા રેલવે કોલોની વિસ્તારમાંથી સાંજના સમયે એક નવજાત શિશુ જીવીત અવસ્થામાં મળી આવતાં ભારે દોડધામ થઈ હતી. ઉપરોક્ત વિસ્તારમાંથી પસાર થતા એક નાગરિકે બાળકનો રડવાનો અવાજ સાંભળ્યા બાદ તુરતજ ૧૦૮ ની ટુકડીને જાણ કરી હતી. જે દરમિયાન લોકોનું ટોળું એકત્ર થઈ ગયું હતું. ૧૦૮ ની ટુકડીએ બનાવના સ્થળે દોડી આવી નિર્જન સ્થળે પડેલા બાળકનો કબજો સંભાળ્યો હતો અને સૌ પ્રથમ પ્રાથમિક સારવાર કરી હતી.ત્યારબાદ બાળક (બાબા)ને જીવિત અવસ્થામાં સારવાર માટે જી.જી. હોસ્પિટલમાં પહોંચાડ્યું છે, જ્યાં તેને સમયસર સારવાર મળી ગઈ હોવાથી બાળકનો બચાવ થયો છે.સમગ્ર ઘટના અંગે દયા વિહીન માતા સામે ચોમેરથી ફિટકારની લાગણી વરસી રહી છે. બાળકને ત્યજી દેનાર માતાને શોધવા માટે પંચકોશી બી. ડિવિઝન ની પોલીસ ટુકડી કામે લાગી છે, અને આસપાસના લોકોના નિવેદનો નોંધવાનું શરૂ કર્યું છે.