જામનગરમાં ૨૧ ઓક્ટોબરથી મગફળી સહિતના પાકોની ટેકાના ભાવે ખરીદી થશે

0
1876

રાજ્ય સરકાર દ્વારા લઘુતમ ટેકાના ભાવથી જિલ્લાના ખેડૂતો પાસેથી ટેકાના ભાવે સીધી ખરીદી કરવામાં આવશે

દેશ દેવી ન્યુઝ જામનગર તા.૧ ઓક્ટોબર ૨૩  ખેડૂતોને તેમના પાકના પોષણક્ષમ ભાવ મળી રહે, તે માટે ખરીફ માર્કેટીંગ સીઝન ૨૦૨૩- ૨૪ માં રાજ્ય સરકાર દ્વારા લઘુતમ ટેકાના ભાવે ડાંગર, મકાઈ, બાજરી, જુવાર તથા રાગીની ખરીદી ગુજરાત રાજ્ય નાગરિક પુરવઠા નિગમ લી. મારફતે કરવામાં આવશે. જેમાં, પ્રતિ ક્વિન્ટલ (૧) ડાંગર (કોમન) રૂ.૨૧૮૩, (૨) ડાંગર (ગ્રેડ-એ) રુ.૨૨૦૩, (૩) મકાઈ રુ.૨૦૯૦, (૪) બાજરી રુ.૨૫૦૦, (૫) જુવાર (હાઈબ્રીડ) રુ.૩૧૮૦, (૬) જુવાર (માલદડી) રુ.૩ર૨પ અને (૭) રાગી માટે રુ.૩૮૪૬ પ્રતિ ક્વિન્ટલ ટેકાના ભાવ નિર્ધારિત કરવામાંં આવ્યા છે.લઘુતમ ટેકાના ભાવે વેચાણ કરવા માટે ઈચ્છુક ખેડૂતોએ ઓનલાઈન નોંધણી ગ્રામ્ય કક્ષાએ VCE (વી.સી.ઈ.) અને સંબંધિત ગ્રામપંચાયત મારફતે આગામી તા.૩૧ ઓક્ટોબર સુધીમાં કરવવાની રહેશે. ઓનલાઈન રજીસ્ટ્રેશન કરવા માટેના જરૂરી આધાર-પુરાવા જેવા કે, આધાર કાર્ડની નકલ, અદ્યતન ગામ નમુનો ૭/૧૨, ૮/અની નકલ, ગામ નમુના ૧૨માં પાક વાવણી અંગે એન્ટ્રી ના થઈ હોય, તો પાકની વાવણી અંગેનો તલાટીના સહી-સિક્કા સાથેનો દાખલો, ખેડૂતના નામની બેન્ક ખાતાની વિગત, બેન્ક પાસબુકની નકલ અથવા કેન્સલ ચેકની નકલ અરજી પત્રકની સાથે જોડવાની રહેશે.અત્રે ઓનલાઈન રજિસ્ટ્રેશન ફરજિયાત હોવાથી જે ખેડૂતોએ ઓનલાઈન નામ નોંધણી ના કરાવી હોય, તો તેવા ખેડૂતોને આનો લાભ મળશે નહીં. જિલ્લાના ખેડૂતોને આ તમામ બાબતોની ખાસ નોંધ લેવા માટે, જિલ્લા મેનેજર ગ્રેડ-૨, ગુજરાત રાજ્ય નાગરિક પુરવઠા નિગમ લી., જામનગરની યાદીમાંં જણાવવામાંં આવ્યુંં છે.*જામનગર જિલ્લામાં મગફળી, મગ, અડદ અને સોયાબીનના પાકો માટે ટેકાના ભાવો જાહેર કરાયા કેન્દ્ર સરકાર દ્વારા ખરીફ વર્ષ ૨૦૨૩-૨૪માં ખેડૂતોને તેમના પાકના પોષણક્ષમ ભાવ મળી રહે, તે માટે લઘુતમ ટેકાના ભાવે મગફળી, મગ, અડદ અને સોયાબીનની ખરીદી કરવામાં આવશે. જેમાં, પ્રતિ ક્વિન્ટલ મગફળી માટે રૂ.૬૩૭૭, મગ માટે રૂ. ૮૫૫૮, અડદ માટે રૂ.૬૯૫૦, અને સોયાબીન માટે રૂ.૪૬૦૦ પ્રતિ ક્વિન્ટલ ટેકાનો ભાવ જાહેર કરવામાં આવ્યો છે.આ તમામ પાકોની ટેકાના ભાવે ખરીદી આગામી તા.૨૧ ઓક્ટોબરથી શરૂ કરવામાં આવશે. આ ખરીદીમાં જે ખેડૂતો ઉક્ત પાકોનું ટેકાના ભાવે વેચાણ કરવા ઈચ્છુક હોય, તો તેઓએ આગામી તા.૧૬ ઓક્ટોબર સુધીમાં ગ્રામ્ય કક્ષાએ ઈ-ગ્રામ કેન્દ્રો ખાતેથી V.C.E./ વી.સી.ઈ. મારફતે ઓનલાઈન નોંધણી કરાવવાની રહેશે. તેમ, જિલ્લા ખેતીવાડી અધિકારીશ્રી, જામનગરની યાદીમાં જણાવવામાં આવ્યું છે.