જામનગર મહાનગરપાલિકાની સોલિડ વેસ્ટ શાખાના બે પૂર્વ અધિકારીને સજા ફટકારતી અદાલત

0
1120

2001માં જામનગરની ભૂગર્ભ ગટરમાં બે સફાઈ કામદારોના મોતના કેસમાં જામ્યુકોના બે પૂર્વ અધિકારીને સજા ફટકારતી અદાલત

જામનગર મહાનગરપાલિકાના વર્તુળમાં ભારે ચકચાર પ્રસરી

પટેલ કોલોની વિસ્તારમાં વર્ષ 2001 માં ભૂગર્ભ ગટરની સફાઈ કામગીરી વેળાએ બે સફાઈ કામદારો ગુંગળાઈ મર્યા હતા

મનપાના તત્કાલીન ઈજનેર અને સેનેટરી ઈન્સ. ને બે વર્ષની જેલ સજા

હાલ બન્ને કર્મચારી નિવૃત્ત થઇ ગયા હોવાથી તેઓએ અપીલમાં જવા માટે સજાના હુકમ સામે અદાલતમાંથી સ્ટે મેળવ્યો

જામનગર : જામનગરમાં પટેલ કોલોની શેરી નંબર ત્રણના વિસ્તારમાં સને 2001ની સાલમાં ભૂગર્ભ ગટરની સફાઇ ચાલી રહી હતી. જે દરમિયાન બે સફાઈ કર્મચારીઓ મનસુખભાઈ મનાભાઈ અને રાજેશ લાલજીભાઈ કે જેઓ તારીખ 3.8. 2001ના દિવસે ભૂગર્ભ ગટર ની અંદર ઉતર્યા હતા, અને બંનેના ગૂંગળાઈ જવાના કારણે મૃત્યુ નિપજયા હતા.

બનાવ સમયે જે તે વખતે સોલિડ વિભાગના ઇજનેર સુખાભાઈ ડાંગર અને સેનેટરી ઇન્સ્પેક્ટર ભુપેન્દ્ર કુંભારાણા દ્વારા બેદરકારી દાખવવામાં આવી હોવા ના આરોપસર પ્રેમજીભાઈ પુંજાભાઈએ સીટી બી ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી.

જે અંગેનો કેસ જામનગરની અદાલત સમક્ષ ચાલી જતાં મહાનગરપાલિકાના પૂર્વ ઇજનેર અને સેનેટરી ઇન્સ્પેક્ટર બંને ની બેદરકારી હોવાનું અદાલતે ઠરાવ્યું હતું, અને બંને નિવૃત કર્મચારીઓને બે વર્ષની સાદી કેદની સજા અને રૂપિયા પાંચ પાંચ હજારનો દંડ ફટકાર્યો છે.

હાલમાં બન્ને કર્મચારીઓ નિવૃત્ત થઈ ગયા છે, અને બન્નેએ ઉપલી અદાલતમાં અપીલ માં જવા માટે સજાના હુકમ સામે સ્ટેની માંગણી કરતાં અદાલતે સ્ટે. આપ્યો છે અને હવે આ મામલે ઉપલી અદાલતમાં અપીલ કરવામાં આવી રહી છે.

આ ચુકાદાને લઇને જામનગર મહાનગરપાલિકાના વર્તુળમાં ભારે ચકચાર પ્રસરી છે.