ધ્રોલમાં ઇજનેર પર હુમલા પ્રકરણમાં કોન્ટ્રાક્ટર પેઢીને 3 વર્ષ માટે બ્લેકલિસ્ટ

0
2925

ધ્રોલ પંથક મા અધિકારી ઉપર હુમલાનું પ્રકરણ : બ્રીજ કોન્ટ્રાક્ટર પેઢીને ત્રણ વર્ષ માટે બ્લેક લિસ્ટ કરવાનો આદેશ

દેશ દેવી ન્યૂઝ જામનગર તા. ૩ સપ્ટેમ્બર ૨૪, જામનગર જિલ્લા પંચાયત હસ્તકના ધ્રોળ તાલુકામાં ઈંટાળા, રાજપરા, સુમરા રોડ પર માઈનોર બ્રીજ એન્ડ એપ્રોચીસના કામો નો કોન્ટ્રાક્ટ જૂનાગઢ ની કોન્ટ્રાક્ટર પેઢી સ્વસ્તિક કન્સ્ટ્રક્શન કંપનીને આપવામાં આવ્યો હતો.જે પેઢી નાં કર્મચારી દ્વારા જવાબદાર અધિકારી ઉપર હુમલો કરવામાં આવ્યો હતો.જેમાં કોન્ટ્રાક્ટ પેઢી ને ત્રણ વર્ષ માટે બ્લેક લીસ્ટ કરવામાં આવી છે.

આ કામ ચાલુ હતું તે દરમિયાન કોન્ટ્રાક્ટર પેઢીના કર્મચારીને મદદનીશ ઈજનેર એન.પી. બારડે ગુણવત્તાયુક્ત કામગીરી કરવા સૂચના આપતા એજન્સીના કર્મચારી અમિતભાઈ ઝાલા એ ઈજનેર સાથે ગેરવર્તણૂંક કરી, અપશબ્દો બોલી તેમને શારીરિક ઈજાઓ પહોંચાડી હતી. તેમજ જાનથી મારી નાખવાની અને જમીનમાં દાટી દેવાની ધમકી આપી હતી. આ અંગે ધ્રોળ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ હતી.

સમગ્ર પ્રકરણમાં મા.મ. વિભાગ (પંચાયત) ના કા.પા. ઈજનેર દ્વારા ખુલાસો રજૂ કરવા જણાવાયું હતું જેના જવાબમાં ઈજારદાર દ્વારા રજૂ થયેલા ખુલાસામાં સમગ્ર ઘટનાનો સ્વીકાર કરવામાં આવ્યો હતો. જેથી એજન્સીના કર્મચારીની આ પ્રકારની વર્તણૂંક માટે કોન્ટ્રાક્ટર પેઢી જવાબદાર હોવાનું ઠરાવાયું હતું, અને ઈજારદારનો ખુલાસો અમાન્ય રાખવામાં આવ્યો હતો.

આ બાબતની તપાસ અને ગંભીર વિચારણાના અંતે રાજ્ય સરકારના માર્ગ-મકાન વિભાગના ખાસ ફરજ પરના અધિકારી આર.વી. પટેલે જૂનાગઢ ની સ્વસ્તિક કન્સ્ટ્રક્શન કંપની (જેમના ભાગીદારો જગમલભાઈ મારડિયા, સંધ્યાબેન મારડિયા, રાણાભાઈ મારડિયા) ને રાજ્ય સરકાર સંબંધિત વિભાગ દ્વારા બાંધકામની કામગીરી માટે આપવામાં આવેલા (૧) ક્લાસ એએ, (ર) સ્પે. કેટેગરી-૧ (રોડ), (૩) સ્પે. કેટેગરી-ર (બ્રીજ) ના વર્ગો માટેની નોંધણી ત્રણ વર્ષ માટે સ્થગિત કરવાનો હુકમ કર્યો છે. આ ઈજારદાર પેઢી અને તેમના ભાગીદારો આ સમયગાળામાં કોઈપણ ટેન્ડર ભરી શકશે નહીં કે આ નોંધણીનો ઉપયોગ કરી શકશે નહીં.

આ પ્રકરણે જામનગર જિલ્લા પંચાયત વર્તુળોમાં ભારે ચકચાર જગાવી હતી અને રાજ્ય સરકારે જૂનાગઢની આ કોન્ટ્રાક્ટર પેઢી સામે ત્રણ વર્ષ માટે બ્લેક લિસ્ટ કરવાનો હુકમ કર્યો છે.