સરકારી જમીન ઉપર ગેરકાયદેસર દબાણ કરનાર બે શખ્સ સામે લેન્ડ ગ્રેબીંગની ફરિયાદ

0
2151

મોટી ગોપમાં ગોચરની તથા મેઘપરની સરકારી જમીન ઉપર ગેરકાયદેસર દબાણ કરનાર બે શખસ સામે લેન્ડ ગ્રેબીંગની ફરિયાદ

જમીનના વેચાણ કરાર કરી આપવાના ગુનામાં મહિલા સરપંચે તાલુકા પંચાયત સદસ્ય સહિત બે શખસો સામે ફરિયાદ નોંધાવી

દેશ દેવી ન્યુઝ જામનગર: ૧૪ જુલાઇ ૨૨ જામજોધપુર તાલુકાના ગોપ ગામની સીમમાં આવેલી ગોચરની તથા મેઘપર ગામની સીમમાં આવેલી સરકારી જમીન ઉપર ગેરકાયદેસર દબાણ કરી વેચાણ કરાર કરી આપવાના ગુનામાં મહિલા સરપંચે તાલુકા પંચાયત સદસ્ય સહિત બે શખ્સો વિરૂધ્ધ લેન્ડગ્રેબીંગ એકટ હેઠળ ફરિયાદ નોંધાવી હતી.

જામજોધપુર તાલુકાના મોટી ગોપ ગામની સીમમાં આવેલી રેવન્યુ સર્વે નં.828 વાળી ગોચરની જમીન તેમજ મેઘપર ગામમાં આવેલી રેવન્યુ સર્વે નં.199 વાળી સરકારી જમીન ઉપર વશરામ વેજાણંદ કારેણા અને સતિષ નાથા નામના બે શખ્સોએ આ સરકારી જમીન ઉપર ગેરકાયદેસર દબાણ કરી ભોગવટામાં લઇ બાંધકામ કરી લીધું હતું તેમજ વેચાણ કરાર કરી નાખ્યું હતું. આ સરકારી જમીન ઉપર ગેરકાયદેસર દબાણ હોવાની જાણ હોવા છતાં જમીન ખુલ્લી કરી ન હતી. આ અંગે મોટી ગોપ ગામના સરપંચ જોશનાબેન પાથર દ્વારા જાણ કરાતા પીઆઈ એમ.એન. ચૌહાણ તથા સ્ટાફે તાલુકા પંચાયત સદસ્ય સહિત બે શખ્સો વિરૂધ્ધ લેન્ડ ગ્રેબિંગ એકટ હેઠળ ગુનો નોંધી વધુ તપાસ ગ્રામ્ય ડીવાયએસપી કૃણાલ દેસાઈ ચલાવી રહ્યાં છે.