જામનગરના માધાપર ભુંગામાં થયેલ જૂથ અથડામણમાં 27 સામે ફરીયાદ

0
1107

જામનગરના માધાપર ભુંગામાં થયેલ જૂથ અથડામણમાં સામ-સામી ફરિયાદ નોંધાઇ : કુલ 27 શખસ સામે ફરીયાદ

બંને જૂથના લોકોએ સામ-સામે કાચની બોટલો અને પથ્થરો ફેંકતા તંગદિલી સર્જાઇ હતી : ઘાયલોને સારવારમાં ખસેડાયા: સમગ્ર વિસ્તારમાં ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવાયો

દેશ દેવી ન્યુઝ 12.જામનગર: જામનગર શહેરમાં બેડી પાસે આવેલા માધાપર ભૂંગા વિસ્તારમાં ગઇકાલે જૂથ અથડામણની ઘટના બનતા પોલીસ કાફલો પહોંચ્યો હતો અને ચૂસ્ત બંદોબસ્ત ગોઠવી દેવાયો હતો. આ અંગે મળતી વિગત મુજબ બે ટોળા સામસામે આવી કાચની બોટલો અને પથ્થરો સામસામે ફેંકતા તંગદિલી સર્જાઈ હતી.

આ જૂથ અથડામણમાં મહિલાઓ સહિત એક ડઝન જેટલા વ્યક્તિઓને ઇજા થતા સારવાર અર્થે હોસ્પિટલ ખસેડાયા હતા સમગ્ર વિસ્તારમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો અને બાદમાં બંને જૂથે સામ-સામે પોલીસમાં ફરિયાદ નોંધાવી છે. જેમાંકુલ 27 શખસ સામે ફરિયાદ નોંધાઇ છે.

આ અંગે જાણવા મળતી વધુ વિગત મુજબ જામનગરના બેડેશ્ર્વર વિસ્તારમાં આવેલ માધાપર ભુંગા પાણીના ટાંકા પાસે રહેતી ખતીજાબેન ઇશાકભાઇ ભાયા (ઉ.વ.62) ના ભાઇ નુરમામદ ભગાડના દિકરા સુલતાન સાથે ગત તા.10-1-22ના બપોરના સુમારે કુદરતી હાજત કરવા ગયેલ તે વખતે આરોપી જાફર ઉર્ફે ઝેરીસીદીક સંઘાર તથા તેના દિકરાએ બોલાચાલી કરી હતી જે બાબતે ફરીયાદી અને સલીમ તેને ઠપકો આપેલ તેનું મનદુ:ખ રાખીને તમામ આરોપીઓએ ગઇકાલે એક સંપ કરી ઘસી ગયા હતા.

આરોપીઓએ તલવાર, ધારીયા, પાઇપ સાથે આવીને ખતીજાબેન, સલીમભાઇ પર હુમલો કરતા ફ્રેકચર સહિતની ઇજાઓ પહોચી હતી તેમજ એક આરોપીએ ઝપાઝપીમાં તલવારનો એક ઘા ગોઠણની નીચેના ભાગે લાગતા ઇજા પહોચી હતી.

સલીમભાઇને પાઇપ વડે ઝપાઝપીમાં માથાના ભાગે ઇજા થઇ હતી તેમજ આ વેળાએ છોડાવવા પડેલ માણસોને આરોપીઓએ હાથાપાઇ કરી મુંઢ ઇજા પહોચાડી, અપશબ્દો બોલી જાહેરનામાનો ભંગ કર્યો હતો.

આ બનાવ અંગે ખતીજાબેન ભાયા દ્વારા બેડી મરીન પોલીસમાં ગઇકાલે આરોપી માધાપર ભુંગામા રહેતા અબ્બાસ ઉર્ફે અબાડો ભગાડ, જાફર ઉર્ફે ઝેરી સીદીક સંઘાર, જુસબ ખમીશા સુભણીયા, ફાતમાબેન એલીયાસ સુભણીયા, એલીયાસ સુભણીયા, કારો સંઘાર, સલીમ સંઘાર, હુશેન અલી ભાયા, ઉમર સંઘાર, આયશાબેન અબ્બાસ છેર, સલમાબેન ઇરફાન સંઘાર, દાઉદ સંઘાર, અસલમ ઉર્ફે ઇસ્માઇલ બીલાલ સંઘાર અને મુખતાર ઉર્ફે મુખતારીયો કમોરાની વિરૂઘ્ધ આઇપીસી કલમ 323, 324, 325, 143, 146, 147, 148, 149, 504 તથા જીપીએકટ 135(1) મુજબ ફરીયાદ નોંધાવી હતી.

સામાપક્ષે માધાપર ભુંગા મસ્જીદની બાજુમા રહેતા અને ખંભાળીયાના ભરાણા ગામના વતની કૌશરબેન જુબેદભાઇ ભાયા (ઉ.વ.21) એ વળતી ફરીયાદ માધાપર ભુંગામાં રહેતા ખતીજાબેન ઇશાક ભાયા, સલીમ ઇશાક ભાયા, રજીયાબેન સલીમ ભાયા, સીદીક આદમ જખરા, મામદ આદમ જખરા, અલી અનવર ભગાડ, કાસમ આદમ જખરા, અનવર ઉર્ફે કામલી નુરમામદ ખોળ, સાલેમામદ ઇસ્માઇલભગાડ, હનીફ આદમ જખરા, સુલેમાન આદમ જખરા, કાદર મામદ ભાયા, અનવર ઇસ્માઇલ ભગાડની વિરુઘ્ધ આઇપીસી કલમ 323, 324, 143, 146, 147, 148, 149, 504 તથા જીપીએકટ 135(1) મુજબ ફરીયાદ નોંધાવી હતી.

જેમાં જણાવ્યા મુજબ ફરીયાદીના મોટાબાપુના દીકરા અસગર તથા આરોપી ખતીજાબેનના ભાઇનો દિકરો સુલતાન સાથે તા. 10ના બપોરે બોલાચાલી તથા ઝઘડો થયો હતો જે બાબતે સમાધાન માટે સવારના ફરીયાદીના મોટાબાપુ જાફરભાઇ તેમજ તેની સાથેના સાહેદો સમાધાન કરવા જતા આરોપીઓએ ઉશ્કેરાઇ જઇ એક સંપ કરી ફરીયાદીના મોટાબાપુ તથા અન્યની સાથે ઝઘડો કરી અપશબ્દો બોલી ઢીકાપાટુ અને ધોકા વડે માર માર્યો હતો.

આ વેળાએ ફરીયાદી છોડાવવા જતા આરોપીએ ફરીયાદી કૌશરબેનને માથાના ભાગે તલવાર અને ધોકો ફટકાર્યો હતો તેમજ તમામ આરોપીઓએ ઢીકાપાટુનો માર મારી હથીયારબંધી-જાહેરનામાનો ભંગ કર્યો હતો. આ બંને ફરીયાદના આધારે બેડી મરીન પીએસઆઇ આર.એ. વાઢેર તપાસ ચલાવી રહયા છે. માથાકુટના પગલે વિસ્તારમાં પોલીસ દ્વારા ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે જયારે ઇજાગ્રસ્તોને સારવાર માટે હોસ્પીટલમાં ખસેડવામાં આવ્યા હતા.