14 વર્ષથી વધુ સજા ભોગવી રહ્યા હોય યોજનાનો લાભ આપો..
સજા ભોગવી રહેલા કેદીઓની વેદના.. યોજના પુનઃ અમલીકરણ કરવામાં આવે તો જેલનું ભારણ પણ ઘટે.
જામનગર જેલના 7 કેદીની સજા માફી આપવા સીએમ સમક્ષ રજુઆત..
દર ત્રણ વર્ષે રાજય માફી યોજનાનું પુનઃ અમલીકરણ કરવા માંગ..દેશ દેવી ન્યુઝ નેટવર્ક ર૯. જામનગર જિલ્લા જેલમાં 14 વર્ષથી વધુ સમયથી સજા ભોગવી રહેલા 7 કેદીએ રાજય માફી યોજના હેઠળ સજામાં માફી આપવા મુખ્યમંત્રીને રજૂઆત કરી છે.જેમાં દર ત્રણ વર્ષે રાજય માફી યોજનાનું ગુજરાતમાં પુનઃ અમલીકરણ કરવા માંગણી કરી છે . જામનગર જિલ્લા જેલમાં 14 વર્ષથી વધુ સમયથી સજા ભોગવી રહેલા 7 કેદીએ મુખ્યમંત્રી અને ગૃહમંત્રીને કરેલી રજૂઆતમાં જણાવ્યું છે કે , ગુજરાતમાં નરેન્દ્ર મોદી પ્રધાનમંત્રી હતા ત્યારે વર્ષ 2003 થી 2013 સુધીના સમયગાળામાં દર ત્રણ વર્ષે કેદીઓને રાજય માફી આપવાની યોજના અમલમાં મૂકી હતી . આથી જેલનું ભારણ ઘટે અને સુધારાત્મક પરિણામ આવે.
આ સમયગાળામાં ચાર વખત કેદીઓને રાજયમાફી આપવામાં આવી હતી . આ યોજના હેઠળ મુખ્યમંત્રી વિજય રૂપાણીએ વર્ષ -2017 માં છેલ્લી રાજયમાફી આપી હતી . પરંતુ ત્યાર પછી આ યોજના બંધ થઇ ગઇ છે.
આથી ચાર વર્ષથી આ યોજના હેઠળ કોઇ માફી આપવામાં આવી ન હોય રાજયની જેલોમાં 14 વર્ષથી વધુ સમય સજા ભોગવી રહેલા કેદીની સંખ્યા 600 થી વધુ થઇ છે . આથી ગુજરાતમાં આ યોજના પુનઃ ચાલુ કરી તેનો લાભ આપવા કેદીઓએ માંગણી કરી છે .