જામનગરમાં ભૂતિઓ બંગલો બન્યો મોત બંગલો : વધુ એક ભોગ લેવાયો: સિલસિલો યથાવત

0
2239

જામનગરના ભૂતિયા બંગલાના પાણીના ખાડામાં ઝંપલાવી યુવાને જિંદગી ટુંકાવી

થોડા દિવસ પહેલા નેપાળી બાળકે જીવ ગુમાવ્યો હતો છતાં ખાડો ન બૂરવામાં આવતા લોકોમાં રોષ: નિંભરતંત્ર નિદ્રામાં: મોતનો સિલસિલો યથાવત

દેશ દેવી ન્યુઝ જામનગર: ૨૫ જુલાઈ ૨૨. જામનગરમાં પટેલ કોલોની શેરી નંબર 11 માં રહેતો અને હોલસેલનો વેપારી પ્રેમ દીપકભાઈ થાવરાણી (ઉ.વ.22) નામનો યુવક તેના ઘરેથી નીકળ્યા પછી લાપતા બન્યો હતો તેનું બાઈક- મોબાઈલ અને ચાવી પંચવટી મેઇન રોડ પર પાર્ક કરેલું મળી આવ્યા હતા. જેથી તેની નજીકની દુકાનના સીસીટીવી કેમેરા વગેરેમાં ચેકિંગ કરતાં ભૂતિયા બંગલા પાસે આવેલા પાણીના ખાડા તરફ ગયો હોવાનું ધ્યાનમાં આવ્યું હતું. તેથી પરિવારજનો દ્વારા જાણ કરાતા ફાયર ટીમે સાંજે 6.45 વાગ્યાથી લઈને રાત્રે 8:30 વાગ્યા સુધી શોધખોળ હાથ ધરી હતી પરંતુ લાપતા બનેલા યુવાનનો કોઈ પત્તો સાંપડ્યો ન હતો. ત્યારબાદ રવિવારે સવારે યુવકનો મૃતદેહ પાણીમાં તરતો હોવાનું જણાતા ફાયર બ્રિગેડની ટીમે મૃતદેહને બહાર કાઢી પોલીસને સુપ્રત કર્યો હતો.

હેડ કોન્સ્ટેબલ સજજનસિંહ જાડેજા તથા સ્ટાફે ઘટના સ્થળે પહોંચી જઇ મૃતદેહનો કબ્જો સંભાળી મૃતકના પિતા દીપકભાઈ થાવરાણીના નિવેદનના આધારે આગળની તપાસ હાથ ધરી હતી તેમજ વધુમાં મળતી વિગત મુજબ મૃતક યુવાન તેઓનો એકનો એક પુત્ર હતો અને પિતા સાથે વેપારમાં મદદ કરાવતો હતો અને અપરણિત હતો. તેણે કયા સંજોગોમાં આ પગલું ભરી લીધું, તે જાણી શકાયું નથી. છેલ્લા કેટલાક સમયથી પોતે ગુમસૂમ રહેતો હતો. આ ઘટનાથી માતા-પિતા હતપ્રભ બની ગયા છે.