બારાડી બેરાજાના શખસને ગાંજાના જથ્થા સાથે ઝડપી લેવાયો: જામનગરના અન્ય બે સપ્લયારોના નામ ખુલ્યા.

0
619

બારાડી બેરાજાના શખસને ગાંજાના જથ્થા સાથે ઝડપી લેવાયો: જામનગરના અન્ય બે સપ્લયારોના નામ ખુલ્યા.

ખંભાળિયા: દેવભૂમિ દ્વારકા જિલ્લામાં અસામાજિક પ્રવૃત્તિઓ ઉપર કાબુ મેળવવા જિલ્લા પોલીસ વડા સુનિલ જોશી દ્વારા આપવામાં આવેલી સુચનાના અનુસંધાને અહીંના એસ.ઓ.જી. વિભાગ દ્વારા હાથ ધરવામાં આવેલી કામગીરીમાં પી.આઈ. જે.એમ. ચાવડાના માર્ગદર્શન હેઠળ પી.એસ.આઈ. એ.ડી. પરમાર તથા સ્ટાફ દ્વારા વિવિધ પ્રકારની કડક કામગીરી કરવામાં આવી રહી છે.

આ અંતર્ગત શનીવારે એસ.ઓ.જી. પોલીસના હાથ ધરવામાં આવેલા પેટ્રોલીંગ દરમ્યાન એ.એસ.આઈ. મહંમદભાઈ બ્લોચને મળેલી ચોક્કસ બાતમીના આધારે મોડી રાત્રીના સમયે ખંભાળિયા તાલુકાના બારાડી બેરાજા ગામે રહેતા પુંજા કારૂભાઈ કરમુર નામના 40 વર્ષના એક શખ્સના મકાન પર દરોડો પાડવામાં આવ્યો હતો. આ સ્થળે ચેકિંગ દરમિયાન ફળિયામાં છુપાવીને રાખવામાં આવેલો ચાર કિલો સાત ગ્રામ ગાંજાનો જથ્થો પોલીસને હાથ લાગ્યો હતો.

આથી પોલીસે રૂ. 40,070 ની કિંમતના ગાંજા તથા રૂપિયા એક હજારની કિંમતના એક નંગ મોબાઈલ ફોન મળી કુલ રૂપિયા 41,070 ના મુદ્દામાલ સાથે ઉપરોક્ત શખ્સની અટકાયત કરી, એનડીપીએસ એક્ટ મુજબ ગુનો નોંધવામાં આવ્યો છે.

પોલીસની પૂછપરછમાં પોપટ બનેલા આરોપી પુંજા કરમુરે આ પ્રકરણમાં ગાંજાનો જથ્થો જામનગરના બેડેશ્વરના રહીશ સલીમ માજોઠી અને કારા કોળી નામના શખ્સ પાસેથી મેળવ્યો હોવાનું કબૂલ્યું હતું. જેથી ખંભાળિયા પોલીસે આ બંને સામે પણ ગુનો નોંધી આગળની તપાસ અહીંના પી.આઈ. વી.વી. વાગડીયા દ્વારા હાથ ધરવામાં આવી છે.

આ સમગ્ર કાર્યવાહી એસ.ઓ.જી.ના પી.આઈ. જે.એમ. ચાવડા, પી.એસ.આઈ. એ.ડી. પરમાર, એ.એસ.આઈ. મહમદભાઇ બ્લોચ, ભીખાભાઈ ગાગીયા, હરદેવસિંહ જાડેજા, લખમણભાઈ આંબલીયા, ઈરફાનભાઈ ખીરા, દિનેશભાઈ માડમ, કિશોરસિંહ જાડેજા, મહાવીરસિંહ ગોહિલ તથા નિલેશભાઈ કારેણા દ્વારા કરવામાં આવી હતી.