જામનગર નવાગામ ઘેડમાં ‘દરબાર’ યુવાનની હત્યાનો પ્રયાસ : 3 મહિલા સહિત 16 સામે ફરીયાદ

0
23733

જામનગરમાં નવાગામ ઘેડમાં હોળીની રાતે હોર્ન વગાડવા જેવી સામાન્ય બાબતમાં રાજપૂત યુવાન અને તેના ત્રણ મિત્રો પર ખુની હુમલો

  • સ્થાનિક વિસ્તારમાં રહેતી ત્રણ મહિલા સહિતના ૧૫ શખ્સો સામે મરચાની ભૂકી છાંટી ખૂની હુમલો કરી વાહનમાં તોડફોડ કર્યા ની ફરિયાદ થી ચકચાર
  • (૧) રોહીત શીંગાળા(૨) રોહીતનો ભાઈ સુનીયો શીંગાળા (૩) મયુર શીંગાળા (૪) રોહીત ચીના (૫) દીનેશ ઉર્ફે ડુંગો (૬) આદેશ શીંગાળા (૭) સુર્યા કોળી (સદામ શીંગાળા નો જમાઈ) (૮) નીતીન શીંગાળા (૯) સાગર કોળી (૧૦) અશોક શીંગાળા (૧૧) મયુર ઉર્ફે ટીટો શીંગાળા તથા બે અજાણ્યા પુરુષ તથા ત્રણ અજાણી મહીલા

દેશ દેવી ન્યૂઝ જામનગર તા ૨૬ માર્ચ ૨૪ જામનગર ના નવાગામ ઘેડ હનુમાન ચોક વિસ્તારમાં વાહનનું હોર્ન વગાડવા જેવી સામાન્ય બાબતમાં બે જૂથ વચ્ચે તકરાર થઈ હતી, અને એક રાજપૂત યુવાન અને તેના ત્રણ મિત્રો પર ખૂની હુમલો કરાયો છે. સ્થાનિક વિસ્તારમાં રહેતી ત્રણ મહિલા સહિતના ૧૫ શખ્સોના ટોળાએ મરચાની ભૂકી છાંટી છરી તલવાર લોખંડના પાઇપ જેવા હથિયારો વડે હુમલો કરી વાહનમાં તોડફોડ કર્યા ની ફરિયાદ પોલીસમાં નોંધાવાતાં ચકચાર જાગી છે.

આ હુમલાના બનાવની વિગત એવી છે કે જામનગરમાં નવાગામ ઘેડ ગાયત્રી ચોક વિસ્તારમાં રહેતા જયપાલસિંહ મનુભા જાડેજા નામના ૨૮ વર્ષના રાજપૂત યુવાને પોતાના ઉપર તેમજ પોતાના મિત્ર અજયરાજસિંહ જાડેજા, જયદીપસિંહ જાડેજા તથા ઋષિરાજસિંહ ગોહિલ વગેરે પર છરી,તલવાર, લોખંડના પાઇપ, ધોકા જેવા ધારદાર હથિયારો વડે હુમલો કરી ખૂનની કોશિશ કર્યા ની ફરિયાદ સિટી બી. ડિવિઝન પોલીસ મથકમાં નોંધાવી છે.

જેમાં આરોપી તરીકે નવાગામ ઘેડ વિસ્તારમાં રહેતા રોહિત શિંગાળા, રોહિતનો ભાઈ સુનિયો શીંગાળા, મયુર શિંગાળા, રોહિત ઉર્ફે ડુંગો, આદેશ શિંગાળા, સૂર્યો કોળી (સદામ શિંગાળા નો જમાઈ), નીતિન શિંગાળા, સાગર કોળી, અશોક શિંગાળા, મયુર ઉર્ફે ટીટો શિંગાળા, અને બે અજ્ઞાત પુરુષો, તથા ત્રણ અજાણી મહિલાઓ સહિત ૨૫ શખ્સોના નામ આપ્યા છે.

જે તમામ પંદર આરોપીઓ સામે સીટી બી. ડિવિઝનના પી.આઈ. પી.પી. ઝા એ આઇપીસી કલમ ૩૦૭, ૩૨૬, ૩૨૫, ૩૨૪, ૩૨૩, ૫૦૪, ૧૪૭, ૧૪૮, ૧૪૯, ૪૨૭ તેમજ જી.પી.એક્ટ કલમ ૧૩૫-૧ મુજબ ગુન્હો નોંધ્યો છે, અને હુમલા ના બનાવ બાદ ભાગી છૂટેલા તમામની શોધખોળ ચલાવાઇ રહી છે.

પોલીસ ફરિયાદમાં જાહેર કરાયા અનુસાર સાહેદ હેમતસિંહ ગોહિલ કે જેમણે હુમલાખોર આરોપીઓ હોળી ને રાત્રે ત્રણ વાગ્યાના અરસામાં પોતાના મોટરસાયકલમાં મોટા અવાજથી હોર્ન વગાડતા હતા, જેથી તેઓને હોર્ન વગાડવાની ના પાડતાં તેઓએ બોલાચારી કરી હતી. જે દરમિયાન અજયરાજ સિંહ જાડેજા, જયદીપસિંહ જાડેજા અને ફરિયાદી જયપાલસિંહ જાડેજા કે જેઓ આવી પહોંચ્યા હતા, અને ઝઘડો કરવાની ના પાડતાં ત્રણ મહિલા સહિતના પંદર જેટલા આરોપીઓ ટોળાના સ્વરૂપમાં આવ્યા હતા, અને મરચાની ભૂકી છાંટી તલવાર,છરી, પાઇપ જેવા હથિયારો વડે જીવલેણ હુમલો કરી દીધો હતો.

જે હુમલામાં ઋષિરાજસિંહ ગોહિલને ગંભીર ઇજા થઈ હતી, અને તેનું ડાબી બાજુનું આંતરડું બહાર નીકળી ગયું હતું. હુમલા ના બનાવ બાદ તમામ મિત્રોના વાહનોમાં પણ પથ્થરમારો કરી તોડફોડ કરી નાખવામાં આવી હતી, અને તમામ આરોપીઓ ભાગી છૂટયા છે. જ્યારે ઇજાગ્રસ્તોને જામનગરની સરકારી જી.જી. હોસ્પિટલમાં સારવાર અપાઇ છે. મોડી રાત્રિના બનેલા આ બનાવ બાદ નવાગામ ઘેડ સહિતના વિસ્તારમાં ભારે હડકંપ મચી ગયો હતો, અને સીટી બી. ડિવિઝનનો પોલીસ કાફલો ઘટના સ્થળે દોડતો થયો હતો. પોલીસ દ્વારા હુમલાખોર આરોપીઓની શોધખોળ ચલાવાઈ રહી છે.