જામનગરના પૂર્વ કોંગી કોર્પોરેટર પર હુમલો: વોર્ડ નંબર ૧૪ ભાજપ ના કોર્પોરેટર સહિત ત્રણ સામે ફરિયાદ નોંધાવાતાં ચકચાર
- દિવાળીની રાત્રે હવાઈ ચોક વિસ્તારમાં બન્ને જૂથ વચ્ચે થયેલી તકરાર ના મામલે વળતી ફરિયાદ નોંધાવાઈ
- આરોપી : (૧) વીમલભાઇ કિશોરભાઇ કનખરા (૨) હીતેષભાઇ કનખરા (૩) કેતનભાઇ જેન્તીભાઇ નાખવા રહે. બધા જામનગર
દેશ દેવી ન્યુઝ જામનગર તા ૩૦, જામનગર મહાનગરપાલિકાના પૂર્વ કોંગી કોર્પોરેટરે દિવાળીની રાત્રે હવાઈ ચોક વિસ્તારમાં પોતાના ઉપર હુમલો કરી જાનથી મારી નાખવાની ધમકી આપવા અંગે વોર્ડ નંબર ૧૪ ના ભાજપના કોર્પોરેટર સહીત ત્રણ સામે ફરિયાદ નોંધાવતાં ભારે ચકચાર જાગી છે. સપ્તાહ પહેલાં કોંગી કોર્પોરેટર સામે પણ હુમલા ની ફરિયાદ નોંધાવવામાં આવી હતી.જામનગર ના દિગ્વિજય પ્લોટ શેરી નંબર ૧૭ માં પ્રકાશ એપાર્ટમેન્ટમાં રહેતા પૂર્વ કોંગી કોર્પોરેટર ધીરેશ ગિરધરલાલ કનખરા એ જામનગરના સીટી એ. ડિવિઝન પોલીસ મથકમાં પોતાના ઉપર હુમલો કરી જાનથી મારી નાખવાની ધમકી આપવા અંગે વર્તમાન વોર્ડ નંબર ૧૪ ના ભાજપના કોર્પોરેટર અને શાષક જૂથના દંડક કેતન જયંતીભાઈ નાખવા તેમજ વિમલ કિશોરભાઈ કનખરા અને હિતેશ કનખરા સામે ફરિયાદ નોંધાવી છે.જે ફરિયાદના અનુસંધાને સીટી એ. ડિવિઝન પોલીસે ભાજપના કોર્પોરેટર સહિત ત્રણ આરોપીઓ સામે આઈપીસી કલમ ૫૦૪,૫૦૬-૨,૩૨૩ અને ૧૧૪ મુજબ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.પોલીસ ફરિયાદમાં જાહેર કરાયા અનુસાર પૂર્વ કોંગી કોર્પોરેટર ધીરેશ કનખરા અને વર્તમાન ભાજપના કોર્પોરેટર કેતનભાઇ નાખવા બંને વચ્ચે લાંબા સમયથી વિખવાદ ચાલી રહ્યો છે, જેઓની સાથે વિમલ કનખરા વગેરે ને પણ તકરાર ચાલતી હતી. દિવાળીની રાત્રે હવાઈ વિસ્તારમાં બંને જૂથ વચ્ચે મારામારી નો બનાવ બન્યો હતો.જોકે જે તે વખતે પોલીસ ફરિયાદ કરાઈ ન હતી, પરંતુ એક સપ્તાહ પહેલા પૂર્વ કોંગી કોર્પોરેટર ધીરેશ કનખરા સામે હુમલા અંગેની ફરિયાદ નોંધાવ્યા પછી ગઈકાલે પૂર્વ કોંગી કોર્પોરેટર દ્વારા ભાજપના વર્તમાન કોર્પોરેટર સહિત ત્રણ સામે વળતી ફરિયાદ નોંધાવી છે. સમગ્ર મામલે સીટી એ. ડિવિઝન પોલીસ વધુ તપાસ ચલાવે છે. આ બનાવને લઈને જામનગરના રાજકીય વર્તુળમાં અને ખાસ કરીને ભાનુશાળી જ્ઞાતિમાં ભારે ચકચાર જાગી છે.